નવી દિલ્હીઃ દિલ્હી લિકર કૌભાંડ કેસમાં તિહાડ જેલમાં બંધ દિલ્હીના CM કેજરીવાલને લઈને આપ પાર્ટીએ જેલ વહીવટી તંત્ર પર મોટો આરોપ લગાવ્યો છે. આપ પાર્ટીએ દાવો કર્યો છે કે કેજરીવાલની વિરુદ્ધ ષડયંત્ર ચાલી રહ્યું છે. પાર્ટીનો આરોપ છે કે મુખ્ય મંત્રીને ઇન્સ્યુલિન અને ડોક્ટરની સલાહના ઇનકાર કરીને તિહાડ જેલમાં તેમને ધીમું ઝેર આપીને મોત તરફ ધકેલવામાં આવે છે.
પાર્ટીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે જેલમાં બંધ મુખ્ય મંત્રીની બ્લડ સુગરનો હવાલો આપતાં કહ્યું હતું કે હું જવાબદારી સાથે કહ્યું છે કે કેજરીવાલને ધીમા મોત માટે એક ષડયંત્ર ચાલી રહ્યું છે. તેમણે કેજરીવાલને ઇન્સ્યુલિન આપવાથી ઇનકાર કરવા માટે તિહાડ વહીવટી તંત્ર, ભાજપ, કેન્દ્ર અને દિલ્હીના ઉપ રાજ્યપાલની ટીકાર કરતાં કહ્યું હતું કે દિલ્હીના મુખ્ય મંત્રી છેલ્લાં 20-22 વર્ષોથી ડાયાબિટીક પેશન્ટ છે. કોર્ટે કેજરીવાલને એક મશીનનો ઉપયોગ કરવા માટે જેલમાં તેમની દૈનિક સુગર સ્તરની નિગરાની કરવાની મંજૂરી આપી હતી, એમ તેમણે કહ્યું હતું.આ પહેલાં EDએ કોર્ટ સામે દાવો કર્યો હતો કે ટાઇપ-2 ડાયાબિટિસ હોવા છતાં કેજરીવાલ મેડિકલ જામીનને આધાર બનાવવા માટે પ્રત્યેક દિવસે કેરી અને મીઠાઈ જેવા વધુ સુગર જેવું ભોજન લઈ રહ્યા છે.