નવી દિલ્હી: સામાન્યરીતે રેલવે પોલીસની હેલ્પ લાઈન પર તાત્કાલિક સુરક્ષા અથવા પછી અન્ય સમસ્યાની મદદ માટે ફોન આવતા હોય છે પણ અહીં તો હકીકત કંઈક જૂદી જ છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રેલવે પોલીસને આજકાલ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે દિલ્હી રેલવે પોલીસ હેલ્પલાઈન પર જે ફોન આવે છે તેમાં કંઈક અલગ જ પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. આ હેલ્પલાઈન નંબર પર દરોજના 80 ટકા કરતા વધારે ફોન પિઝા અને બર્ગરની ડિલિવરી, મોબાઈલ રિચાર્જ વગેરે માટે આવે છે.
પોલીસના જણાવ્યા અનુસાર દિલ્હી રેલવે પોલીસ કંટ્રોલ રૂમમાં હેલ્પલાઈન નંબર 1512 પર દરરોજ 200 ફોન આવે છે, જે પૈકી 80 ટકા ફોનમાં યાત્રીઓ પિઝા અને બર્ગરની ડિલિવરી, મોબાઈલ રિચાર્જ અને આ જ પ્રકારના અન્ય પ્રશ્નો અંગે પૂછપરછ કરે છે. કેટલાંક લોકો તો રેલવેમાં નોકરી વિશે પણ પૂછે છે. ઘણાં લોકો તો રેલવે પોલીસ કંટ્રોલ રૂમમાં હેલ્પલાઈન નંબર 1512 પર ફોન કરીને ચા, જ્યૂસ અથના ઠંડા પાણી સહિતની વસ્તુઓની ડિલિવરીની માગ કરે છે. કેટલાક એવા યાત્રીઓ છે જે વીજળીનું બિલ જમા કરાવવા અથવા ટ્રેનની ટિકિટ બુકિંગ કરાવવા માટે પોલીસ પાસે મદદ માંગે છે.
રેલ યાત્રા દરમિયાન અથવા રેલવે સ્ટેશન પર કોઈ ગુનો બને તો તેની ફરિયાદ કરવા માટે વર્ષ 2015માં રેલવેએ 1512 હેલ્પલાઈન લૉન્ચ કરી હતી. રેલવે પોલીસનો આ હેલ્પ લાઈન નંબર સમગ્ર દેશ માટે છે. મોટાભાગના લોકો આ નંબર પર ફોન કરીને પોલીસની મદદ માગવાની જગ્યાએ રેલવેમાં નોકરી કરવી છે અને પિઝા ક્યારે મળશે વગેરે સવાલો પૂછે છે.
નાયબ પોલીસ કમિશનર (રેલ્વે) દિનેશકુમાર ગુપ્તા કહે છે કે, રેલવે હેલ્પ લાઈનનો મુખ્ય હેતુ શું છે તે વિશેની લોકોને પૂરતી જાણકારી નથી. માટે લોકો હેલ્પ લાઈન નંબર પર પિઝા અને બર્ગર જેવી નાની-નાની જરૂરિયાતો માટે ફોન કરે છે. રેલવે યાત્રીઓમાં આ અંગેની જાગૃતિ લાવવા માટે પોલીસ બુકલેટ્સ અને પેમ્ફલેટ્સનો સહારો લઈ રહી છે.