નવી દિલ્હીઃ ‘લોકલસર્કલ્સ’નામના એક કમ્યુનિટી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા હાથ ધરાયેલા એક સર્વેક્ષણ પરથી માલુમ પડ્યું છે કે દિલ્હી-એનસીઆર (નેશનલ કેપિટલ રીજન)માં 80 ટકા પરિવારોમાં ઓછામાં ઓછા એક સભ્ય છેલ્લા અમુક અઠવાડિયાઓમાં પ્રદૂષિત હવા સંબંધિત બીમારીઓથી ગ્રસ્ત છે. દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તાને હાલ ‘અત્યંત ખરાબ’થી ‘ગંભીર’ કેટેગરીમાં મૂકવામાં આવી છે. ઝેરી હવા લોકોના આરોગ્યને હાનિ પહોંચાડવાનું ચાલુ જ રાખી રહી છે.
સર્વેના તારણ અનુસાર, આસરે 18 ટકા લોકોએ કહ્યું છે કે તેઓ કે પરિવારના કમસે કમ એક સભ્યએ ડોક્ટર પાસે જઈને દવા લેવી પડી છે અથવા હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે. સર્વેમાં સામેલ થયેલા 8,097 લોકોમાંના 69 ટકા જેટલા લોકોએ કહ્યું કે એમને ગળામાં બળતરા થવાની અને/અથવા ઉધરસની તકલીફ છે. 50 ટકા લોકોએ નાકમાંથી સતત પાણી વહ્યા કરવાની અને/અથવા નાક બંધ થઈ જવાની તકલીફ થતી હોવાની ફરિયાદ કરી છે. 44 ટકા લોકોએ શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરી છે. 44 ટકા લોકોએ માથામાં દુખાવો થતો હોવાની, 44 ટકા લોકોએ ઊંઘની સમસ્યા સતાવતી હોવાની ફરિયાદ કરી છે.
