નવી દિલ્હી- ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ના કર્મચારીઓને નવા નાણાકીય વર્ષમાં ખુશખબર મળી શકે છે. હકીકતમાં ટેલિકોમ વિભાગ સાતમાં પગારપંચની ભલામણને આ મહિનેથી જ એટલે કે, 1લી એપ્રિલથી લાગુ કરે તેવી શક્યતા છે. લાંબા સમયથી BSNLના કર્મચારીઓ સાતમા પગાર પંચની માગ કરી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કર્મચારીઓના પગાર વધારાની સાથે તમામ પ્રકારની બાકી રકમ પણ કંપની તરફથી નવા નાણાકીય વર્ષમાં ચૂકવવામાં આવી શકે છે.
સૂત્રોનું માનીએ તો, આગામી 4 એપ્રિલના રોજ BSNL બોર્ડની એક મહત્વની બેઠક મળશે, જેમાં 2018-19ના નાણાકીય પરિણામો પર ચર્ચા થશે. બેઠકમાં 2019 માટે રોડમેપ અને તેમાં થનારા રોકાણને લઈને પણ વાતચીત થઈ શકે છે.
મહત્વનું છે કે, BSNL કર્મચારી ઓલ યૂનિયન એન્ડ એસોસિએશન ઓફ BSNLના બેનર હેઠળ સાતમા પગારપંચ અને બાકી ચૂકવણાને લઈને છેલ્લાં ઘણાં સમયથી માગ કરી રહ્યાં છે. આ કર્મચારીઓએ કંપની સામે 6 સૂત્રીય માગ રાખી છે, જેમાં રાજ્ય દ્વારા સંચાલિત ટેલિકોમ કંપનીને 4 સ્પેક્ટ્રમ ફાળવણી કરવાનો પણ સમાવેશ થાય છે.
આ કર્મચારીઓની માગોને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ (ડીઓટી) દ્વારા નાણાં મંત્રાલય સમક્ષ રજૂ કરવામાં આવી હતી. રિપોર્ટની માનીએ તો, સાતમા પગાર પંચની ભલામણ એપ્રિલ 2019થી જ લાગુ થઈ શકે છે. 4જી સ્પેક્ટ્રમની માગને લઈને ઓલ ઈન્ડિયા યૂનિયન એન્ડ એસોસિએશન ઓફ બીએસએનએલે ત્રણ દિવસીય હડતાળ પણ કરી હતી.