વગર ડ્યૂટી પર આવ્યે પગાર મેળવતા UPના 742 ડોક્ટરો

લખનઉઃ ઉત્તર પ્રદેશના અલગ-અલગ જિલ્લાઓમાં તહેનાત આશરે 742 ડોક્ટરો લાંબા સમયથી ડ્યુટીથી ગાયબ માલૂમ પડ્યા હતા, જેમાં કેટલાંક પાંચ વર્ષથી વધુ સમયથી કામ પર નહોતા આવી રહ્યા. ડિરેક્ટોરેટ ઓફ મેડિકલ એન્ડ હેલ્થ સર્વિસિસે 2010થી 2022ની વચ્ચે નિયુક્ત થયેલા આ ડોક્ટરોની યાદી રાજ્ય સરકારને સોંપી છે અને ટૂંક સમયમાં તેમની સર્વિસ ખતમ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે એવી શક્યતા છે. આરોપ છે કે આમાં કેટલાક ડોક્ટર આરોગ્ય વિભાગના અધિકારીઓની મિલીભગતથી વિના કામ કર્યે નિયમિત પગાર પણ લઈ રહ્યા હતા.

શું છે પૂરો મામલો?

ઉત્તર પ્રદેશના આરોગ્ય વિભાગની એક મોટી લાપરવાહીને કારણે 700થી વધુ ડોક્ટરો કામ પર ના આવવા છતાં તેઓ પગાર મેળવી રહ્યા હતા અને આવું એ વિભાગમાં મિલીભગતની સાથે કરી રહ્યા હતા. આ મુદ્દે બોલતાં મેડિકલ અને હેલ્થ સર્વિસના ડિરેક્ટર (વહીવટી) ડો. રાજગણપતિ આરે કહ્યું હતું કે લાપતા ડોક્ટરોને સ્પષ્ટીકરણ માગવા માટે સતત ત્રણ નોટિસ મોકલવામાં આવી હતી, પણ એમાંથી કોઈએ જવાબ નથી આપ્યો.તેમની પાસેથી પગારની વસૂલાતની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે આરોગ્ય વિભાગના કેટલાક અધિકારીઓની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.

કેવી રીતે સામે આવ્યો મામલો?

ડોક્ટરોના ગાયબ થવાના મામલો ત્યારે સામે આવ્યો, જ્યારે ઉપ મુખ્ય મંત્રી બ્રજેશ પાઠકને નિરીક્ષણ દરમ્યાન કેટલાક ડોક્ટરોને ડ્યુટી પરથી ગાયબ થયેલા માલૂમ પડ્યા હતા. ત્યાર બાદ તેમણે મેડિકલ અને હેલ્થ ડિરેક્ટોરેટને લાંબા સમયથી ગાયબ બધા ડોક્ટરોની રાજ્યવ્યાપી યાદી તૈયાર કરવા માટે નિર્દેશ આપ્યા હતા, જે પછી ચોંકાવનારી વિગતો સામે આવી હતી. છેલ્લા ચાર મહિનામાં મંત્રે કમસે કમ 29 ડોક્ટરોની સેવાઓ પૂરી કરી નાખી છે, જે લાંબા સમયથી કામ પર નહોતા આવ્યા.

આગ્રાના એક વરિષ્ઠ સરકારી ડોક્ટરે કહ્યું હતું કે UPમાં એવી કોઈ સરકારી હોસ્પિટલ નહીં હોય, જ્યાં આવશ્યક સંખ્યામાં ડોક્ટર અને પેરામેડિકલ કર્મચારીઓ ડ્યુટી પર હોય. જિલ્લા હોસ્પિટલો અને ગ્રામીણ ક્ષેત્રોનાં આરોગ્ય કેન્દ્રોમાં સ્થિતિ બદથી બદતર છે.