મુંબઈઃ નાણાકીય માધ્યમો અને ડિજિટલ માર્કેટ્સ માટે અત્યાધુનિક તથા યુઝર ફ્રેન્ડલી સોલ્યુશન્સ પૂરાં પાડનારી વૈશ્વિક સ્તરની અગ્રણી કંપની ૬૩ મૂન્સ ટેક્નોલોજીસ આ શુક્રવાર પછી એમસીએક્સ (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ)ને એક્સચેન્જ ટેક્નોલોજી સપોર્ટ અને સર્વિસીસ પૂરાં નહીં પાડે.
૬૩ મૂન્સે સ્ટોક એક્સચેન્જોને મોકલેલા ફાઇલિંગમાં કહ્યું છે કે કંપનીએ એમસીએક્સ સાથે સોફ્ટવેર સપોર્ટ અને મેન્ટેનન્સ માટે કરેલા કરારની મુદત ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ પૂરી થાય છે.
આમ, ૩૦મી સપ્ટેમ્બર પછી એમસીએક્સ એ ૬૩ મૂન્સની ક્લાયન્ટ નહીં રહે અને એ મુજબની જાણ કંપનીના સ્ટેકહોલ્ડર્સને કરી દેવી એવું પણ એક્સચેન્જોને કહેવામાં આવ્યું છે.
બન્ને કંપનીઓ વચ્ચેના કરારનું નવીનીકરણ કરવામાં આવ્યું નહીં હોવાથી એક્સચેન્જ ટેક્નોલોજી સોફ્ટવેરનો ઉપયોગ કરવાના એમસીએક્સના અધિકારને નિયમનકારે નક્કી કરેલું નિયમનકારી નિયંત્રણ લાગુ પડશે. એમસીએક્સ માટે કોઈ પણ ઇસ્યૂ કે બગની સમસ્યા ઊભી થશે તો કંપની સોર્સ કોડને એક્સેસ નહીં કરી શકે. આમ, ૩૦મી સપ્ટેમ્બર પછી જો એમસીએક્સની ટ્રેડિંગ કે સેટલમેન્ટની સિસ્ટમ કોઈ પણ કારણસર અટકી જશે તો કોઈ પણ વ્યક્તિ એમાં કંઈ નહીં કરી શકે, કારણ કે એમસીએક્સ પાસે સોર્સ કોડનો એક્સેસ નહીં હોય.
૬૩ મૂન્સે એમસીએક્સના ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજના પરિપત્રક વિશે જણાવ્યું હતું કે એમસીએક્સે સર્વિસ એગ્રીમેન્ટની મુદત પૂરી થવા પહેલાં જ કંપની પાસેથી એક્સચેન્જ ટેક્નોલોજીનું આઇપી લાઇસન્સ પ્રાપ્ત કરવા માટે ચર્ચા શરૂ કરી હતી. હાલના એગ્રીમેન્ટની મુદત પૂરી થયા પછી નવા સર્વિસ એગ્રીમેન્ટ માટે પણ ચર્ચાઓ શરૂ કરવામાં આવી હતી. ૬૩ મૂન્સે કમર્શિયલ પ્રપોઝલ સાથે એ વિનંતીનો જવાબ આપ્યો હતો. ત્યાર બાદ ચર્ચાઓ બંધ થઈ ગઈ અને એમસીએક્સે હજી સુધી એ બાબતે સ્વીકાર કે અસ્વીકારનો કોઈ જવાબ આપ્યો નથી.
અહીં જણાવવું રહ્યું કે એમસીએક્સે રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ ગત ૧૭ ઑક્ટોબર, ૨૦૧૭ના રોજ બહાર પાડી હતી અને ૬ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ એનો સમયગાળો પૂરો થયો હતો. નવા કરાર માટે ૬૩ મૂન્સ સાથે ૨૧ ઑક્ટોબર, ૨૦૨૦ના રોજ ચર્ચાવિચારણા શરૂ થઈ હતી. એમસીએક્સે એ વાટાઘાટો બાબતે છેલ્લે ૬ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ કેટલીક માહિતી/સ્પષ્ટતા માગી હતી, જેનો જવાબ ૬૩ મૂન્સે ૧૧ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ આપ્યો હતો.