નવી દિલ્હીઃ ગયા વર્ષે તહેવારો સમયે આશરે 62 ટકા ભારતીયોને ઓનલાઇન શોપિંગ દરમ્યાન છેતરપિંડીનો સામનો કરવો પડ્યો હતો, એમ નોર્ટન લાઇફ લોકનો સર્વે કહે છે. આ રિપોર્ટ મુજબ વિશ્વમાં એક વર્ષમાં 100 કરોડ ઈમેઇલ્સ એક્સપોઝ કરવામાં આવ્યા છે, જેમાં દરેક પાંચમી વ્યક્તિ છેતરપિંડીની શિકાર થઈ છે. આમાં સૌથી વધુ છેતરપિંડી UPI પેમેન્ટથી પણ થવા લાગી છે.
દેશમાં પ્રતિ કલાક આશરે 1000 ઓનલાઇન ફ્રોડના મામલા સામે આવી રહ્યા છે. IIT કાનપુરથી જોડાયેલી એક સંસ્થા ફ્યુચર ક્રાઇમ રિસર્ચ ફાઉન્ડેશનના સર્વે અનુસાર પ્રતિ દિન સરેરાશ 23,000 આવા ગુના થઈ રહ્યા છે.
ધનતેરસ અને દિવાળીના સમયે સૌથી વધુ ઓનલાઇન શોપિંગ થાય છે. છેતરપિંડીનું જોખમ વધી જાય છે. સાઇબર સિક્યોરિટી અને ફોરેન્સિક લો એક્સપર્ટ મોનાલી ગુહાના જણાવ્યાનુસાર જો તમે ધનતેરસે કોઈ માલસામાન ઓનલાઇન ઓર્ડર કર્યો હોય તો ડિલિવરીને નામે છેતરપિંડી થવાની શક્યતા છે. ડિલિવરી બોયનો સંપર્ક નથી થઈ રહ્યો કહીને તમને કોઈ કોડ ડાયલ કરવા માટે કહેવામાં આવી શકે –જેમ કે 401 અથવા એના પછી 10 અંકોનો મોબાઇલ નંબર.
આ પ્રકારનો કોઈ કોડ ડાયલ ના કરો, જેનાથી તમારા કોલ્સ sms ફોર્વર્ડ થી શકે. આવું કરવાથી અપરાધીને તમારા OTP મળવા લાગશે. ડિલિવરીમાં કોઈ પ્રકારની સમસ્યા આવી રહી છે કે કોઈ કેશબેકની લાલચમાં આવીને એપ ઇન્સ્ટોલ ના કરો. અજાણ્યા વ્યક્તિના કહેવા પર કોઈ એપ ઇન્સ્ટોલ ના કરો. આ ઉપરાંત સસ્તી કિંમતે મોંઘી ચીજવસ્તુઓની ઓફરના ચક્કરમાં ના પડો.