અફઘાનિસ્તાનમાં 6.1ની તીવ્રતાનો ધરતીકંપ આવ્યો; દિલ્હી, ઉત્તર ભારતમાં આંચકાનો અનુભવ થયો

નવી દિલ્હી – આજે સાંજે લગભગ પાંચ વાગ્યાના સુમારે રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હી તથા દેશના ઉત્તરના ભાગોમાં ધરતીકંપના તીવ્ર આંચકાનો લોકોએ અનુભવ કર્યો હતો.

આ આંચકો અફઘાનિસ્તાનમાં એ જ સમયે આવેલા ધરતીકંપને કારણે લાગ્યો હતો. ધરતીકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1ની નોંધાઈ હતી.

ધરતીકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનના હિંદુકુશ પર્વતીય વિસ્તારમાં અને ધરતીથી આશરે 190 કિ.મી. ઊંડે હોવાનું માલૂમ પડ્યું હતું.

કેન્દ્રબિંદુ હિંદુકુશ પર્વતીય વિસ્તારના જર્મમાં હોવાનું માલૂમ પડ્યું હતું.

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યા મુજબ, આ ધરતીકંપ અફઘાનિસ્તાનના પાટનગર કાબુલથી 245 કિ.મી. ઉત્તર બાજુએ આવ્યો હતો.

અમેરિકાની USGS સંસ્થા અને ભારતના હવામાન વિભાગે કહ્યું છે કે ધરતીકંપના આંચકાની તીવ્રતા 6.3 હતી.

અફઘાનિસ્તાનમાં ધરતીકંપને લીધે પંજાબ, ચંડીગઢ, હરિયાણા, દિલ્હી તથા હિમાચલ પ્રદેશના નીચાણના વિસ્તારોમાં આંચકો લાગ્યો હતો.

જયપુરમાં, મેટ્રો રેલવેના અધિકારીઓના ચેંબરમાં પણ ધરતીકંપના આંચકાનો અનુભવ થતાં જયપુરની મેટ્રો ટ્રેન સેવા 18 મિનિટ માટે બંધ કરી દેવામાં આવી હતી.