નવી દિલ્હી/ક્રાઈસ્ટચર્ચ – ન્યૂઝીલેન્ડના આ શહેરમાં આજે બપોરે બે મસ્જિદમાં કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં છ ભારતીયો માર્યા ગયા હોવાનું મનાય છે.
બીબીસી હિન્દી સાથે વાતચીત કરતાં ન્યૂઝીલેન્ડસ્થિત ભારતીય હાઈકમિશનર સંજીવ કોહલીએ કહ્યું કે પ્રારંભિક માહિતીમાં એવું જાણવા મળ્યું છે કે બે ભારતીય અને ચાર ભારતીય-મૂળની વ્યક્તિઓ ટેરર હુમલામાં મૃત્યુ પામી છે.
એક હુમલો મધ્ય ક્રાઈસ્ટચર્ચમાં આવેલી અલ નૂર મસ્જિદ અને બીજો ઉપનગરીય વિસ્તારમાં આવેલી લિનવૂડ મસ્જિદમાં કરવામાં આવ્યો હતો.
એક અન્ય અહેવાલ મુજબ, આ હુમલા બાદ ન્યૂઝીલેન્ડમાં 9 ભારતીય નાગરિકો લાપતા થયા છે.
સંજીવ કોહલીના નિવેદન મુજબ, ભારતીય મૂળની અથવા ભારતીય નાગરિકત્વ ધરાવતી 9 વ્યક્તિ લાપતા છે.
નવી દિલ્હીમાં, ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે ન્યૂઝીલેન્ડ સ્થિત ભારતીય દૂતાવાસના સત્તાવાળાઓ સાથે અમે સતત સંપર્કમાં છીએ. આ બહુ જ સંવેદનશીલ બાબત છે એટલે મિડિયાને ભારતીય વ્યક્તિઓનાં નામો જેવી વિગતો આપી નહીં શકાય.
હુમલાઓમાં 49 વ્યક્તિઓનાં મરણ નિપજ્યાં છે. ચાર હુમલાખોરની પોલીસે ધરપકડ કરી છે.