નવી દિલ્હી: અયોધ્યાની વિવાદિત ભૂમિ પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો આવી ગયો છે. સુપ્રીમના ચૂકાદા પછી એ નક્કી થઈ ગયું છે કે, આ જ સ્થળ પર રામ મંદિર બનશે. જેથી હવે મંદિરના સ્વરૂપ અને નિર્માણની પ્રક્રિયાને લઈને ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ત્રણ મહિનામાં એક ટ્રસ્ટની રચના કરવાનો આદેશ આપ્યો છે. આ ટ્રસ્ટ દ્વારા જ મંદિરના નિર્માણનું કામ હાથ ધરવામાં આવશે.
વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા શરદ શર્માએ રામ મંદિરના નિર્માણ અંગે જાણકારી આપતા કહ્યું કે, મંદિર નિર્માણ માટે પત્થરનું કોતરકામ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં એટલી તૈયારીઓ થઈ ચૂકી છે કે, કામ શરુ થતાંની સાથે મંદિરના પ્રથમ માળનું નિર્માણ વગર કોઈ અડચણે પૂર્ણ થઈ જશે.
અયોધ્યાનું રામમંદિર કેવું બનશે તે અંગેની બ્લુ પ્રિન્ટ 30 વર્ષ પહેલાં જ અમદાવાદના ચંદ્રકાંત સોમપુરા અને તેમનાં પુત્ર નિખીલ સોમપુરાએ તૈયાર કરી છે. આ બ્લુ પ્રિન્ટની મદદથી સમજી શકાય છે કે રામમંદિર જ્યારે બનશે ત્યારે તે કેવું ભવ્યાતિભવ્ય હશે. ચંદ્રકાંત સોમપુરાના જણાવ્યા અનુસાર ભારતવર્ષના તમામ મંદિરોમાંથી સૌથી અજોડ અને અકલ્પનીય રામમંદિર તૈયાર થશે.
કેવું હશે રામમંદિર ?
બ્લૂ પ્રિન્ટ પ્રમાણે 69 એકર અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ કરવામાં આવશે. બહારથી રામમંદિરમાં આવતાં જ ભક્તોનું ધ્યાન શિખર પર પડે તે પ્રકારનું અષ્ટકોણીય આકારનું શિખર તૈયાર કરવામાં આવશે. આ સાથે ગર્ભગૃહ પણ અષ્ટકોણીય રહેશે. જેની પ્રદક્ષિણા કરી શકાશે. મંદિરમાં ગૂઢ મંડળ અને નૃત્ય મંડપ પણ હશે. સમગ્ર રામમંદિરના ક્ષેત્રફળની વાત કરીએ તો. તેની લંબાઇ 270 ફૂટ, પહોળાઇ 135 ફુટ, ઊંચાઇ 141 ફૂટ હશે. આ મંદિરનું સૌથી મોટું આકર્ષણ ઉત્તર ભારતની પ્રચલિત નાગરશૈલી હશે. જે મંદિરની બનાવટમાં જોવા મળશે.
રામમંદિર સાથે અન્ય કયા મંદિર જોવા મળશે- રામમંદિર શંકુલમાં મુખ્ય મંદિર આસપાસ કુલ ચાર મંદિર બનાવાવમાં આવશે. જેમાં ભરત લક્ષ્મણ સીતા અને ગણપતિનું મંદિર હશે. જેના દર્શનનો લ્હાવો પણ ભક્તોને મળશે. આ ચાર મંદિર કોઈ એક દિશામાં નહીં પરંતુ ચારેય દિશામાં બનશે.
રામમંદિરનું પ્રવેશ દ્વાર આકર્ષણનું કેન્દ્ર હશે જેમાંથી પ્રવેશ મેળવતાં ભક્તને પોતાના વતનથી રામમંદિરને જોવાનો અહેસાસ થશે. કારણ કે રામમંદિરનો પ્રવેશદ્વાર ચારેય દિશામાં બનશે. રામમંદિર પરિસરમાં સુંદર 211 જેટલાં કોતરણીવાળો વિજય સ્તંભ પણ જોવા મળશે તે ભગવાન રામના વિજયનું પ્રતિક છે.
આ સાથે મદિરમાં રહેવા માટેની ધર્મશાળા હશે. જે ભક્તો આવે તેમની માટે ભોજનશાળા પણ હશે. આ સિવાય મંદિરમાં રિસર્ચ સેન્ટર પણ બનાવાવમાં આવશે. જેમાં રામાયણ અને મહાભારત વિશે જો કોઈને અભ્યાસ કરવો હોય તો તે માટેના પુસ્તકો અહીં મળશે. જેની પાસે એક લાઈબ્રેરી પણ અલગથી બનાવાશે.
રામમંદિરનાં નિર્માણમાં જે પત્થરોનો ઉપયોગ કરવામાં આવશે તે રાજસ્થાનનો ગુલાબી પત્થર છે. અને આ પત્થર ભરતપૂરના આગ્રા પાસે મળી આવે છે. આ પત્થર 20 વર્ષ પહેલાં 50 રૂપિયામાં મળતો હતો. તેની હાલની કિંમત 700 રૂપિયા છે. મંદિરનાં નિર્માણ માટે કૂલ 2 લાખ ઘન ફૂટ પત્થરનો ઉપયોગ કરવામાં આવશે. જેની માટે 50 કરોડ રૂપિયાનો ખર્ચો થશે.