મુંબઈમાં નૌકાદળના 21 જવાનોને કોરોના થયો

મુંબઈઃ ખતરનાક અને આખી દુનિયામાં હાહાકાર મચાવી દેનાર કોરોના વાઈરસ રોગચાળાએ ભારતીય નૌકાદળના 21 જવાનને પણ પોતાના શિકાર બનાવ્યા છે. મુંબઈમાં ફરજ બજાવી રહેલા ભારતીય નૌકાદળના ઓછામાં ઓછા 21 જવાનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, આ જવાનોને દક્ષિણ મુંબઈના કોલાબામાં આવેલી નૌકાદળની હોસ્પિટલ ‘INHS અશ્વિની’માં દાખલ કરવામાં આવ્યા છે.

‘INS આંગ્રે’ (નૌકાદળની જહાજી છાવણી) પર ફરજ બજાવતા એક જવાનને ગઈ 7 એપ્રિલે કોરોના થયો હતો. એના સંપર્કમાં આવનાર અન્ય જવાનોનો રિપોર્ટ પણ હવે પોઝિટીવ આવ્યો છે, એમ નૌકાદળના અધિકારીઓએ જણાવ્યું છે.

નૌકાદળના મથકના તે ભાગને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યો છે અને ‘INS આંગ્રે’ જહાજને લોકડાઉનમાં મૂકી દેવામાં આવ્યું છે. ‘INS આંગ્રે’ પશ્ચિમી નૌકા કમાન્ડનો લોજિસ્ટિક અને સપોર્ટ સુવિધા પૂરી પાડતો હિસ્સો છે.

નૌકાદળના જવાનોને કોરોના થયો હોવાનો આ દેશમાં પહેલો જ બનાવ છે.

(પ્રતિકાત્મક તસવીર)

આ પહેલાં દેશના ભૂમિદળના 8 જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.

શુક્રવારે લશ્કરી વડા જનરલ મનોજ નરવણેએ કહ્યું હતું કે લશ્કરના 8 જવાનને કોરોના થયો છે. આમાં બે ડોક્ટર છે, એક નર્સિંગ સહાયક છે. આઠમાંના ચાર જણની તબિયત સારવાર દરમિયાન સારી થઈ છે.

ભારતમાં કોરોના વાઈરસના કન્ફર્મ્ડ કેસોની સંખ્યા 14,378 પર પહોંચી ગઈ છે. 1,766 જણ સાજા થઈ ગયા છે અને એમને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવાઈ છે. કોરોનાગ્રસ્તોમાં 76 વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના બીમારીને કારણે 480 જણના મૃત્યુ થયા છે.

મહારાષ્ટ્રમાં ગઈ કાલે વધુ 118 જણને કોરોના થયાનું માલુમ પડ્યું હતું. આ સાથે રાજ્યમાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા 3,320 પર પહોંચી હતી.

શુક્રવારે રાજ્યમાં કોરોનાને કારણે વધુ 7 જણે જાન ગુમાવ્યા હતા. આ સાથે રાજ્યમાં કોરોનાથી થયેલા મરણનો આંક વધીને 201 થયો છે.

મહારાષ્ટ્રમાં કોરોનાનાં 3,320 કેસોમાંથી 2,085 તો એકલા મુંબઈમાં જ છે. રાજ્યમાં જે કુલ 201 જણના મરણ થયા છે એમાં પણ 122 જણ મુંબઈના હતા.