નવી દિલ્હી – ભારતના 17 વિરોધ પક્ષો ચૂંટણી પંચનો સંપર્ક કરવાના છે અને આવતા વર્ષે નિર્ધારિત લોકસભાની ચૂંટણી પેપર બેલટ દ્વારા યોજવામાં આવે એવી માગણી રજૂ કરશે.
વિરોધ પક્ષોએ આ મુદ્દે તાજેતરમાં ચર્ચા કરી હતી અને કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, ડીએમકે, જનતા દળ સેક્યૂલર, વાયએસઆર કોંગ્રેસ, તેલુગુ દેસમ પાર્ટી, બહુજન સમાજ પક્ષ, આમ આદમી પાર્ટી, માર્ક્સવાદી કમ્પ્યુનિસ્ટ પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, ટીસીએમ સહિત મોટા ભાગના પક્ષોએ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન દ્વારા મતદાનને બદલે પેપર બેલટ ચૂંટણીના આઈડિયાને મંજૂર રાખ્યો હતો.
શાસક ભારતીય જનતા પાર્ટીને વધુ એક મુદત માટે જીત મેળવવાનો વિશ્વાસ છે જ્યારે વિરોધ પક્ષો ભાજપને જીતતો રોકવાના વિકલ્પો વિચારવામાં વ્યસ્ત છે.
બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી બુધવારે દિલ્હીમાં કોંગ્રેસનાં પ્રમુખ રાહુલ ગાંધી તથા ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીને મળ્યાં હતાં ત્યારે પેપર બેલટ ચૂંટણી મુદ્દે ચર્ચા કરી હતી.
કહેવાય છે કે ભાજપના ભાગીદાર પક્ષ શિવસેનાએ પણ ઈવીએમને બદલે પેપર બેલટ ચૂંટણીના વિચારને ટેકો જાહેર કર્યો છે.