‘ઈમરાન ખાનને ગણાવ્યો મોહમ્મદ ગોરી અને તેની શપથમાં જનારા ગદ્દાર’

નવી દિલ્હી- પાકિસ્તાનના નવનિર્વાચિત વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના વડા ઈમરાન ખાનના આગામી 11 ઓગસ્ટે યોજાનારા શપથ ગ્રહણ સમારોહમાં ભારતમાંથી બોલિવૂડ અભિનેતા આમિર ખાન, પૂર્વ ક્રિકેટર કપિલ દેવ, સુનીલ ગાવસ્કર અને નવજોત સિંહ સિદ્ધુને નિમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં સિદ્ધુએ ઈમરાનની પાર્ટીના નિમંત્રણનો સ્વીકાર કર્યો છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું છે કે, ભારતમાંથી જે કોઈ પણ ઈમરાન ખાનના શપથ ગ્રહણમાં ભાગ લેશે તેને ગદ્દાર ગણવામાં આવશે.વધુમાં સ્વામીએ જણાવ્યું કે, નવજોત સિંહ સિદ્ધુ ફક્ત એક ક્રિકેટર નથી, તેઓ દેશના સાંસદ પણ રહી ચુક્યા છે. જો તેઓ ઈમરાનના શપથ સમારોહમાં જશે તો તેમને પણ ગદ્દાર ગણવા જોઈએ. સ્વામીએ ઈમરાન ખાનની તુલના મોહમ્મદ ગોરી સાથે કરતાં જણાવ્યું કે, મહારાણા પ્રતાપે મોહમ્મદ ગોરીને તક આપી હતી અને ત્યારબાદ શું થયું તેનો ઈતિહાસ સાક્ષી છે.

સ્વામીએ કહ્યું કે, ઈમરાન ખાનના શપથ ગ્રહણમાં જનારાના ભારત પરત ફર્યા બાદ તેમના ઉપર દેખરેખ રાખવી જોઈએ અને તેમના ઉપર રાષ્ટ્રદ્રોહનો મામલો ચલાવવો જોઈએ. બીજી તરફ બોલિવૂડ અભિનેતા આમિર ખાને પોતાને કોઈપણ પ્રકારનું નિમંત્રણ મળ્યાનો ઈનકાર કર્યો છે. જે અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતાં સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું કે, ‘તેઓ આમિરને સલામ કરે છે’.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઈમરાન ખાનનો શપથ સમારોહ સાદગીથી સંપન્ન કરવામાં આવશે. જેમાં સાર્ક દેશોના કોઈ પણ પ્રમુખને નિમંત્રણ આપવામાં આવશે નહીં. પાકિસ્તાન વિદેશ મંત્રાલય આ પ્રકારની સ્પષ્ટતા બાદ ભારતના પીએમ નરેન્દ્ર મોદીના પાકિસ્તાન જવાની અટકળો ઉપર પૂર્ણવિરામ લાગી ચુક્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]