જયપુર – રાજસ્થાનના બાડમેર જિલ્લાના જસોલ ગામમાં આજે બપોરે બનેલી એક કરૂણ દુર્ઘટનામાં ભારે વરસાદ અને જોરદાર વંટોળ ફૂંકાતા રામકથા સ્થળે મંડપ તૂટી પડતાં 15 જણ માર્યા ગયા છે અને બીજાં 50 જણ ઘાયલ થયા છે.
આ દુર્ઘટના આજે સાંજે લગભગ 4 વાગ્યે બની હતી. એ વખતે રામકથા સાંભળવા માટે મંડપમાં પુરુષો અને મહિલાઓ હજારોની સંખ્યામાં ઉપસ્થિત હતાં. ભારે વરસાદ વચ્ચે જોરદાર પવન ફૂંકાતાં વિશાળ તંબૂ તૂટી પડ્યો હતો અને એને કારણે અંદર વીજળીનો કરન્ટ ફેલાયો હતો. મરણાંક વધવાની દહેશત છે.
ઈજાગ્રસ્તોને બાડમેરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાકને જોધપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ભારે પવન ફૂંકાતા મંડપ ઉડી ગયો હતો અને એની નીચે બેઠેલા લોકો સપડાઈ ગયા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલય દ્વારા આ દુર્ઘટના અંગે ટ્વીટ દ્વારા દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે.
રામકથાનું લાઈવ પ્રસારણ કરાતું હતું. તેથી મંડપ તૂટી પડવાની દુર્ઘટના બની એ દ્રશ્યો રેકોર્ડ થઈ ગયા હતા અને એનો વિડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. ભારે પવનને કારણે મંડપ તૂટી પડતો જણાતા કથાકાર મુરલીધર મહારાજ બોલી જ રહ્યા હતા કે કથાને અટકાવી દેવી પડશે અને તમે લોકો સૌ બહાર નીકળી જાવ. એ પોતે પણ વ્યાસપીઠ પરથી ઉતરતા હતા એ જ વખતે મંડપ તૂટી પડ્યો હતો.
httpss://twitter.com/PMOIndia/status/1142768930706153472