આવી બન્યું: મોદી સરકારે તૈયાર કરી છે ભ્રષ્ટ અધિકારીઓની ત્રીજી યાદી

નવી દિલ્હી – વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર એની બીજી મુદતમાં કેન્દ્રીય ભ્રષ્ટાચારી હોય, મહિલા કર્મચારીઓની જાતીય સતામણી કરતા હોય તેમજ વ્યવસ્થિત રીતે કામ ન કરતા હોય એવા અધિકારીઓ માટે વધારે કડક બની રહી છે. એણે એવા અધિકારીઓની એક વધુ, ત્રીજી યાદી તૈયાર કરી છે.

આગલી બે યાદીમાં 27 આઈઆરએસ (ઈન્ડિયન રેવેન્યૂ સર્વિસ) અને કસ્ટમ્સ તથા સેન્ટ્રલ એક્સાઈઝ અધિકારીઓના નામ હતા. એમની સામે પગલાં લેવાનું શરૂ પણ કરી દેવામાં આવ્યું છે.

પહેલાં ઈન્કમ ટેક્સ વિભાગના સિનિયર અધિકારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા બાદ સરકારે કસ્ટમ્સ અને સેન્ટ્રલ એક્સાઈઝ વિભાગના 15 અધિકારીઓને ભ્રષ્ટાચાર કરવાના અને લાંચ લેવાના આરોપસર નોકરીમાંથી બરતરફ કર્યા હતા.

ભ્રષ્ટ અધિકારીઓની નવી, ત્રીજી યાદીમાં આશરે 50-60 અધિકારીઓનો સમાવેશ કરાયો હોવાનું કહેવાય છે.

સરકારે તમામ મંત્રાલયો તથા જાહેર ક્ષેત્રની કંપનીઓના સંચાલકોને કહ્યું છે કે તેઓ દર મહિને એવા અધિકારીઓનાં નામ આપે, જેમને નિશ્ચિત મુદત કરતાં વહેલા નિવૃત્તિ આપી દેવામાં આવશે.

સરકાર આ જ રીતે ઈન્ડિયન પોલીસ સર્વિસ (આઈપીએસ)ના ભ્રષ્ટ અને કામ કરવામાં અવળચંડાઈ કરતા અધિકારીઓને બરતરફ કરવાની છે.

સેન્ટ્રલ વિજિલન્સ કમિશને 50-60 જેટલા વધુ ભ્રષ્ટાચારી અધિકારીઓના નામ સરકારને જણાવ્યા છે અને એમની કાર્યવાહી કરવાની ભલામણ કરી છે.

આવા અધિકારીઓ સામે પગલાં લેવા માટે સરકારે એક અલગ વિભાગની પણ રચના કરી છે.