નવી દિલ્હીઃ ભારત દેશે નાગરિકોને કોરોનાવાઈરસ પ્રતિરોધક રસીના ડોઝની સંખ્યા આજે સવારે 100 કરોડ પર પહોંચાડીને એક સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધિની ઉજવણી રૂપે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ) સંસ્થાએ દેશભરમાં 100 સ્મારકોને રાષ્ટ્રીય તિરંગાના રંગોની રોશનીથી પ્રકાશિત કર્યા છે. એએસઆઈ સાંસ્કૃતિક મંત્રાલય અંતર્ગત છે. એક અબજ નાગરિકોને કોરોના રસીનો ડોઝ આપીને ભારત આ સિદ્ધિમાં ચીનની સાથે જોડાયું છે.
કોરોનાયોદ્ધાઓ, રસી આપનાર કર્મચારીઓ, સ્વચ્છતા જાળવનાર કર્મચારીઓ, પેરામેડિકલ સભ્યો, પોલીસકર્મીઓ વગેરે પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આજે સંધ્યા-રાત્રીના સમયે 100 સ્મારકો તિરંગાનાં રંગોની રોશનીમાં ઝળકતાં રહેશે. આ 100 સ્મારકોમાં દિલ્હીનો લાલ કિલ્લો, આગરાનો કિલ્લો અને ઉત્તર પ્રદેશમાં ફતેહપુર સિકરી, ગુજરાતનું ધોળાવીરા, દિલ્હીનો કુતુબ મિનાર, મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં બીબી કા મકબરા, કોલકાતામાં ઓલ્ડ કરન્સી બિલ્ડિંગ, ઓડિશાનું કોણાર્ક મંદિર, ગોવાનું સેન્ટ ફ્રાન્સિસ ઓફ અસિસી ચર્ચ, મધ્ય પ્રદેશસ્થિત ખજુરાહો, રાજસ્થાનમાં ચિત્તોડ અને કુંભલગઢના કિલ્લાનો સમાવેશ થાય છે.