અમદાવાદ : ખેડૂત એ આપણો અન્નદાતા છે. રાત-દિવસ ખેતીમાં પોતાનો પરસેવો વહાવીને અન્ન, શાકભાજી અને ફળો પૂરા પાડે છે. દર વર્ષે 23 ડિસેમ્બરને રાષ્ટ્રિય ખેડૂત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેના ભાગરૂપે અદાણી ફાઉન્ડેશન દ્વારા ગુજરાતનાં તેના કાર્યક્ષેત્રના વિવિધ સ્થળોએ ખેડૂતોની વચ્ચે જઈને આજના સમયની માંગ પ્રમાણે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ યોજયા હતા. કચ્છ, સુરત અને ભરૂચના અંતરિયાળ વિસ્તારમાં નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિવિધ સ્થળે યોજાયેલા પરિસંવાદમાં 1345થી વધારે ખેડૂતો સામેલ થયા હતા. જેમાં અદાણી ફાઉન્ડેશનના વિષય નિષ્ણાંતો, પ્રોજેકટ ઓફિસર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તેમજ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોએ હાજર રહીને પોતાના અનુભવોનું આદાન-પ્રદાન કર્યું હતું. સમગ્ર આયોજન અદાણી ફાઉન્ડેશનના ગુજરાત સી.એસ.આર. હેડ પંક્તિબેન શાહના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું હતું.
કચ્છના માંડવી તાલુકાના ગંગાપર ગામે પટેલ સમાજવાડીમાં ખેડૂતો સાથે નહેરના પાણી દ્વારા વિવિધ પાકો લેવામાં આવે છે. તેમાં ગાય આધારિત ખેતી કરીને પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો બીજામૃત, જીવામૃત -ઘન જીવામૃત, આચ્છાદન, વાફસા અને મિશ્રપાક અંગે વિગતે સમજ આપવામાં આવી હતી. મુંદરા તાલુકાનાં ફુલેશ્વર મહાદેવ પર આજુબાજુના બગડા, ફાચરિયા, કણઝરા વગેરે ગામોના ખેડૂતોને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો દ્વારા પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. ભુજ તાલુકાનાં ખાવડા ખાતે પણ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની સમજ આપવામાં આવી હતી.
સુરતના ઉમરપાડાના ઝુમાવાડી ખાતે પાંચઆંબા, ઘાણાવડ અને ચોખવાડા ગામનાં પ્રાકૃતિક ખેતી મંડળીના સભ્યો, ખેડૂત, આગેવાનો અનેક સ્થાનિક લોક જોડાયા હતાં. અદાણી ફાઉન્ડેશન સાથે જિલ્લા પશુપાલન વિભાગ, જિલ્લા ખેતીવાડી વિભાગ અને જંગલ વિકાસ વિભાગ પણ જોડાયા હતાં. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ખેડૂતોને પશુપાલનના આધારસ્તંભોની માહિતી આપી તે અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. તેમને મિનરલ મિક્ષર અંગે સમજ આપીને દરેકને એક એક કિલોની બેગનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવી હતી. ભરુચ જિલ્લાના નેત્રંગ તાલુકા ખેતીવાડીના સંયુક્ત ઉપક્રમે અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા 355 મહિલા ખેડુતો સાથ ખેડુત દિવસની ઉજવણી કરવમા આવી હતી.