અમદાવાદમાં ‘જળ 2047’ કોન્ક્લેવનું સફળ સમાપન

અમદાવાદ: ગુજરાતમાં પ્રથમ વખત ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટ (Udgam Trust) દ્વારા પાંચ પદ્મ પુરસ્કાર વિજેતાઓ (Padma Awardees)ને એક જ મંચ પર લાવતી બે દિવસીય રાષ્ટ્રીય કોન્ક્લેવ ‘Bharat Discourses on Water @2047’નું અમદાવાદના KCG ઓડિટોરિયમ ખાતે સફળતાપૂર્વક સમાપન થયું હતું. આ આયોજનમાં નીતિ નિર્માતાઓ, વૈજ્ઞાનિકો, જળ નિષ્ણાતો, ઇનોવેટર્સ અને ગ્રાસરૂટ્સ આગેવાનો એકત્રિત થયા હતા. વર્ષ 2047 સુધીમાં ભારતને જળ-સુરક્ષિત બનાવવા માટે સામૂહિક રોડમેપ પર ચર્ચા-વિચારણા કરી હતી.આ કોન્ક્લેવનું આયોજન Center for Water Peace (CWP), Dr. Syama Prasad Mookerjee Research Foundation (SPMRF) અને i-Hubના સહયોગથી કરવામાં આવ્યું હતું. કોન્ક્લેવના બીજા દિવસે જળ સંરક્ષણને માત્ર જાગૃતિ પૂરતું સીમિત ન રાખતાં તેને ચોક્કસ નીતિ અને કાર્યક્ષમ પગલાં તરફ લઈ જવા પર ભાર મુકાયો હતો.

દરમિયાન, જોહડ, બાઓલી અને કુંડ જેવી ભારતની પરંપરાગત જળસંચય પ્રણાલીઓને આધુનિક ટેક્નોલોજી અને નીતિઓ સાથે સાંકળીને ઉકેલો શોધવા પર ચર્ચા થઈ. આ ઉપરાંત Research Colloquium હેઠળ સંશોધન અને શૈક્ષણિક ક્ષેત્રની ભાગીદારી વધારવા, જળ ગવર્નન્સ તેમજ જાહેર નીતિઓ મજબૂત કરવા, સ્ટાર્ટઅપ્સ દ્વારા ઇનોવેશન પ્રોત્સાહિત કરવા અને ગ્રીન ફાઇનાન્સ (Green Finance) દ્વારા નાણાકીય વ્યવસ્થા ઊભી કરવા અંગે વિવિધ વૈચારિક સત્રો યોજાયા હતા.

સમાપન પ્રસંગે પદ્મશ્રી ભારત ભૂષણ ત્યાગીએ જણાવ્યું હતું કે, જળ સુરક્ષા એ સામૂહિક ભવિષ્યનું રોકાણ છે અને વિકાસ પ્રકૃતિ સાથે સુમેળમાં થવો જોઈએ. પદ્મશ્રી સેઠપાલ સિંહે જનભાગીદારીને જળ સંરક્ષણની વાસ્તવિક શક્તિ ગણાવી હતી.ઉદ્ગમ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. મયૂર જોશીએ જણાવ્યું કે, વિનમ્ર જળ સુરક્ષા વિના ‘વિકસિત ભારત’નું લક્ષ્ય પૂરું થઈ શકે નહીં. આ કોન્ક્લેવથી પ્રાપ્ત થયેલાં સુચનોથી જળ ક્ષેત્રે લાંબા ગાળાના આયોજન માટે ‘Bharat Water Manifesto 2047’ને તૈયાર કરવામાં મદદ મળશે.