અમદાવાદ : મોદીના શપથ પહેલા BJP દ્વારા પદયાત્રા યોજાઈ

નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનતા ચોતરફ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઠેર-ઠેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેરના મણિનગર વોર્ડના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કૌશલ પંડ્યા દ્વારા 292 જેટલા લાડુના થાળ સાથે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા મણિનગરથી ગણપતિ મંદિર, લાલદરવાજા સુધી યોજાઇ હતી. ભારતીય જનતા પાર્ટીએ મેળવેલ સીટો એટલે કે 292 જેટલા લાડુના થાળ પ્રસાદમાં ધરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2007થી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ મેળવેલ સીટો જેટલા લાડુના થાળ સાથે મણિનગરથી લાલદરવાજા ગણપતિ મંદિર સુધી પગપાળા યાત્રા યોજવામાં આવે છે. આ આયોજન જાણીતા એડવોકેટ તથા મણિનગર વોર્ડના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કૌશલ પંડ્યા દ્વારા કરવામાં આવે છે. ત્યારે આ પરંપરાને આગળ વધારતા આ વખતે પણ લાડુના થાળ સાથે પદયાત્રા યોજાઇ હતી. આયોજક કૌશલ પંડ્યા જણાવે છે કે, સમગ્ર દેશને નરેન્દ્ર મોદી જેવું સમર્થ નેતૃત્વ મળ્યું છે તે ગૌરવપૂર્ણ વાત છે.