મુંબઈના માનખુર્દ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી, 6ના મોત

મુંબઈ: માનખુર્દ વિસ્તારમાં રવિવારે રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ. જેમાં એક જર્જરિત ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં 6 લોકોના મોત થયા છે, એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે. માનખુર્દના જનતા નગર ખાતે આવેલા હનુમાન મંદિર પાછળ, ચાલ નંબર 5માં ગ્રાઉન્ડ પ્લસ 3 માળની ઈમારતના 2થી 3 ઝૂંપડા જેવા યુનિટ્સ અચાનક તૂટી પડ્યા હતા.

રેસ્ક્યુ ઓપરેશન શરૂ

દુર્ઘટનાની જાણ થતાં જ મુંબઈ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ, બીએમસી વોર્ડનો સ્ટાફ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમોએ સ્થળ પર પહોંચીને યુદ્ધના ધોરણે સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું હતું અને કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢવાના સઘન પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે કાટમાળ નીચે દટાયેલા 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.

ઈમારત ધરાશાયી થતા અફરાતફરી
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ઈમારતનો હિસ્સો અચાનક તૂટી પડતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. આસપાસના લોકો પણ તરત જ મદદે દોડી આવ્યા હતા અને રાહત કાર્યમાં જોડાયેલી ટીમોને સહકાર આપવા લાગ્યા હતા. સુરક્ષાના પગલાં રૂપે પોલીસે હાલમાં આખા વિસ્તારની ઘેરાબંધી કરીને નાકાબંધી કરી દીધી હતી.