મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કેઈએસ, ગુજરાતી ભાષા ભવનના સહયોગથી આયોજિત પરિસંવાદ ‘કથા આત્મકથાની’ તા. ૨૭ ઑગસ્ટ ૨૦૨૩ના રોજ કાંદિવલી ખાતે જયંતીલાલ એચ. પટેલ લૉ કૉલેજના હૉલમાં યોજાયો હતો. જેમાં વક્તા તરીકે વિખ્યાત સાહિત્યકાર-નવલકથાકાર વર્ષાબેન અડાલજા અને સંશોધક-પ્રોફેસર ડૉ. ઉર્વશી પંડ્યા ઉપસ્થિત રહ્યાં હતાં.
સંયોજક સંજય પંડ્યાએ કેઈએસના ટ્રસ્ટી અને વાઈસ પ્રેસિડન્ટ મહેશ શાહનો પરિચય આપ્યો હતો. મહેશ શાહે સ્વાગત શબ્દના વિસ્તૃત અર્થ સાથે સૌને આવકાર્યા બાદ પરિસંવાદનું સંચાલન ડૉ. કવિત પંડ્યાએ કર્યુ હતું. તેમણે વર્ષાબેન અડાલજા અને ડો. ઉર્વશી પંડ્યાનો પરિચય આપ્યો હતો.
વર્ષાબેને કહ્યું, ‘આત્મકથા એ લપસણું સ્વરૂપ છે. સાહિત્યના સ્વરૂપ લેખે આત્મકથા લખવી અઘરી છે. ગુજરાતીમાં સ્ત્રીઓએ આત્મકથા કે આત્મચરિત્ર ઓછાં લખ્યાં છે, જ્યારે ભગિની ભાષાઓ – મરાઠી, બંગાળીમાં ૧૮૬૦થી વધારે આત્મચરિત્રો લખાયાં છે. ગુજરાતીમાં સ્ત્રીઓનાં આત્મલેખનની શોધ કરતાં ‘પાર્વતીકુંવર આખ્યાન‘ ગુજરાતી સ્ત્રી વિષે લખાયેલું પહેલું જ જીવનચરિત્ર છે જે તેમના પત્નીનાં મૃત્યુ બાદ મહિપતરામે ૧૮૮૧માં લખ્યું હતું. એ અરસામાં એક પારસીબહેનની આત્મકથા મળે છે. એ પછી પાંચ દાયકા બાદ ગુજરાતના પહેલા સ્નાતક શારદાબહે મહેતાની આત્મકથા – ’જીવન સંભારણા‘ પ્રગટ થઈ હતી.’
વર્ષાબેને સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, ‘આત્મકથા હંમેશા ફરિયાદ કે રોદણાં નથી હોતી પણ અમુક સ્ત્રીઓ કેવી કેવી પરિસ્થિતિમાં લડી, જીતી, હારી તેને વાચા આપે છે, જે અન્યો માટે દીવાદાંડી સમાન બની રહે છે. પણ દાયકાઓથી સમાજમાં અને વિશ્વના અન્ય દેશોમાં પણ સ્ત્રીઓ સેકન્ડ સિટીઝન જેવી ગણાતી હોય, જેઓ ઘરેલુ હિંસાનો ભોગ બનતી હોય, સામાન્ય અને મહત્ત્વના અધિકારો માટે ઝઝુમવું પડતું હોય, પોતાનાં દેહ માટે સ્વયંના અધિકાર માટે પણ લડવું પડતું હોય એવું જોવાયું છે. સ્ત્રીઓનું શારીરિક, માનસિક, ભાવનાત્મક શોષણ કરીને એમને હાંસિયામાં ધકેલી દેવામાં આવતી હોય છે.’ વર્ષાબેનનાં આ અત્યંત સંવેદનશીલ વક્તવ્યએ શ્રોતાઓને ભાવવિભોર કરી દીધાં હતાં.
ત્યારબાદ ડૉ. ઉર્વશી પંડ્યાએ કમળાબેન પટેલ લિખિત ‘મૂળ સોતાં ઉખડેલાં’ કૃતિ પર મનનીય વક્તવ્યમાં કૃતિનો ભાવવાહી પરિચય કરાવ્યો હતો. ‘મૂળ સોતાં ઉખડેલાં’ એ આત્મકથા નથી આલેખન છે એમ જણાવતાં તેમણે એના વિષે ઘણી વિચારપ્રેરક કરૂણતાસભર માહિતી આપી હતી.
(પૂર્ણા મોદી)