સુપ્રસિદ્ધ ગુજરાતી કવિ સુરેન ઠાકર ‘મેહુલ’નું નિધન

એટલે આ પાંપણો બીડાઈ ગઈ ‘મેહુલ’ તણી,
હાથતાળી દઈ ગઈ સાચવેલી જિંદગી.

મુંબઈઃ ગુજરાતી ભાષાના જાણીતા અને લોકપ્રિય કવિ, નિવૃત્ત પ્રોફેસર, પ્રખર વક્તા અને સંચાલક સુરેન્દ્રભાઈ ત્રીકમલાલ ઠાકર ‘મેહુલ’નું આજે સવારે અહીં બોરીવલી (વેસ્ટ) સ્થિત એમના નિવાસસ્થાને અવસાન થયું છે. મૂળ મહેસાણા જિલ્લાના પેઢામલી ગામના મેહુલભાઈની વય ૮૦ વર્ષ હતી. બોરીવલીસ્થિત સ્મશાનભૂમિમાં એમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. મેહુલભાઈ લાંબા સમયથી બીમાર હતા. એમના પરિવારમાં એમના પત્ની અનસૂયાબેન, પુુત્ર આશિષ, પૌત્ર પ્રેરક, પૌત્રના પત્ની મોનિકા અને પુત્રી અર્ચના દિવ્યાંગ ઠાકરનો સમાવેશ થાય છે.

મેહુલભાઈની અનેક રચનાઓ/કૃતિઓ પ્રશંસનીય રહી છે. જેમ કે…

મજાનાં ઘર…

આંગણું, પરસાળ ને ઊંબર હતાં,
સ્વપ્નમાં પણ શું મજાનાં ઘર હતાં.

ડેલીએ દીવાનગી ઝૂર્યા કરે,
જે ગયાં પગલાં ઘણાં સુંદર હતાં.

એમનાં કર્મોથી એ નશ્વર થયાં,
કર્મ જોકે મૂળ તો ઈશ્વર હતાં.

ગામને પાદર ભરેલી ભવ્યતા,
આમ વચ્ચે કેટલાં પાદર હતાં.

એને આથમણી હવા ભરખી ગઈ
આયનામાં સંસ્કૃતિના સ્તર હતા.

એ પછીથી મોરનાં પીછાં થયાં,
ભીષ્મની શય્યાનાં એ તો શર હતાં.

– સુરેન ઠાકર ‘મેહુલ’
—————————–
પહેલી જિંદગી… વહેલી જિંદગી

કોઈ ઉકેલી ના શકે એવી પહેલી જિંદગી,
ક્યાંક એ મોડી પડી ને ક્યાંક વહેલી જિંદગી.

જીવતાં જો આવડે જાહોજલાલી જિંદગી,
જીવતાં ના આવડે તો પાયમાલી જિંદગી.

પાસમાં એ છે અને હું ઝાંઝવાં જોયા કરું,
કોઈ સમજી ના શક્યું આ રૂપઘેલી જિંદગી.

એટલે આ બહાવરી આંખો જુએ ચારેતરફ,
કીકીઓ છે આપણી ભૂલી પડેલી જિંદગી.

લોકનાં ટોળાં કિનારે ઓર વધતાં જાય છે,
સૂર્ય સમજીને જુએ છે અધ ડૂબેલી જિંદગી.

આવડે, તો શોધ, એમાંથી તને મળશે ઘણું,
છે ઘણાં જન્મોથી આ તો ગોઠવેલી જિંદગી.

એટલે આ પાંપણો બીડાઈ ગઈ ‘મેહુલ’ તણી,
હાથતાળી દઈ ગઈ સાચવેલી જિંદગી.

-સુરેન ઠાકર ‘મેહુલ’

ઈશ્વર મેહુલભાઈના આત્માને પરમ શાંતિ આપે એવી એમને પ્રાર્થના.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]