મુંબઈ – ગત્ લોકસભા ચૂંટણીમાં મુંબઈ, મહારાષ્ટ્રમાં કોંગ્રેસની કારમી હાર થયા બાદ પાર્ટીમાં રોજ નવો નવો આંતરિક વિખવાદ બહાર આવે છે. આજે બોલીવૂડ અભિનેત્રી અને કોંગ્રેસનાં ઉમેદવાર ઉર્મિલા માતોંડકરનાં એક જૂના પત્રએ પક્ષમાંની જૂથબંધીને ઉઘાડી પાડી દીધી છે. ઉત્તર-મુંબઈ બેઠક પરથી ભાજપના ગોપાલ શેટ્ટી સામે ચૂંટણી હારી જનાર ઉર્મિલાએ મુંબઈ કોંગ્રેસના એ વખતના પ્રમુખ મિલિંદ દેવરાને આ પત્ર છેક ગઈ 16 મેએ લખ્યો હતો.
ઉર્મિલાએ એમનાં સિનિયર સાથી સંજય નિરુપમનાં જૂથની આકરી ટીકા કરી છે.
આમ, મુંબઈ કોંગ્રેસમાં ચાલી રહેલા ઝઘડાને નવો વળાંક મળ્યો છે.
એ પત્રમાં ઉર્મિલાએ નિરુપમના નિકટના સહયોગી સંદેશ કોંડવિલકર અને ભૂષણ પાટીલ પર આરોપ મૂક્યો છે કે એ બંનેએ પોતાને ચૂંટણીપ્રચારમાં સહાયતા કરી નહોતી.
પત્ર 16 મેની તારીખે લખાયો હતો અને તેના એક અઠવાડિયા બાદ લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પત્ર દેવરાએ છેક હવે રિલીઝ કર્યો છે.
ઉર્મિલાએ દાવો કર્યો છે કે સ્થાનિક સ્તરે પાર્ટી નેતૃત્ત્વની નિષ્ફળતા અને મુંબઈ કોંગ્રેસમાં પરસ્પર તંગદિલીએ લોકસભા ચૂંટણી દરમિયાન પોતાનાં પ્રચારમાં અવરોધ પેદા કર્યા હતા.
નિરુપમ મુંબઈ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ છે. એમની જગ્યાએ મુંબઈ કોંગ્રેસ પ્રમુખપદે નિમવામાં આવેલા મિલિંદ દેવરાએ ગયા રવિવારે એમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.
ઉર્મિલાએ એમનાં પત્રમાં ફરિયાદ કરી હતી કે કોંડવિલકર અને ભૂષણ પાટીલે પ્રચારકાર્યની જવાબદારી સોંપાઈ હોવા છતાં જરાય સંકલન રાખ્યું નહોતું, પ્રામાણિકતાથી અને કુશળતાપૂર્વક કામ કર્યું નહોતું, જેથી મારો પરાજય થાય.
ઉર્મિલાએ કહ્યું કે એપ્રિલ મહિનામાં બોરીવલીમાં કોંગ્રેસના સિનિયર નેતા મલ્લિકાર્જુન ખડગે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારની હાજરીવાળી ચૂંટણી સભાનું આયોજન બહુ અણઘડ રીતે કરવામાં આવ્યું હતું. એને કારણે પોતાને અંગત રીતે પણ ઘણી તકલીફ થઈ હતી.
45 વર્ષીય ઉર્મિલાએ પત્રમાં કહ્યું હતું કે કોંડવિલકર મારા પરિવારજનોને ફોન કરતા હતા અને મારા ચૂંટણી પ્રચારના ભંડોળમાં પૈસા આપવાનું કહેતા હતા. પૈસા માટે કોંગ્રેસના ખજાનચી એહમદ પટેલ સાથે વાત કરવાનું પણ તેઓ મારાં પરિવારજનોને કહેતા હતા.
ઉર્મિલાએ કોંડવિલકર અને પાટીલ, બંને સામે સંસ્થાકીય સ્તરે શિસ્તભંગના પગલાં લેવાની માગણી કરી છે.
ઉર્મિલાએ વધુમાં કહ્યું કે અનેક અડચણો હોવા છતાં પોતે પોતાનો પ્રચાર સરસ રીતે કરવામાં સફળ થયા હતા.
ઉર્મિલાનો આ પત્ર બહાર આવતાં સંજય નિરુપમે મિલિંદ દેવરાની ટીકા કરી છે.
ગત્ લોકસભા ચૂંટણીમાં દેવરા મુંબઈ-દક્ષિણ બેઠક પર અને નિરુપમ મુંબઈ ઉત્તર-પશ્ચિમ બેઠક પરથી હારી ગયા હતા.
મહારાષ્ટ્રમાં હવે આવતા સપ્ટેંબર-ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત છે.