મુંબઈઃ મહારાષ્ટ્રના યવતમાળ શહેરમાં ૮૦૦ જેટલા ગુજરાતી પરિવારો છે અને ચંદ્રપુર શહેરમાં ૪૫૦ જેટલા ગુજરાતી પરિવારો વસે છે. આ પરિવારો નવરાત્રી નિમિત્તે ભેગા થતાં હોય છે. અહીં નથી કોઈ ગુજરાતી શાળા કે નથી અભ્યાસક્રમમાં ગુજરાતીનો વિષય! તે છતાં બોલચાલની ભાષા તરીકે ગુજરાતી સારી રીતે જળવાઈ રહી છે. આ શહેરોમાં ગુજરાતી સમાજ બધા ગુજરાતી પરિવારોને એક તાંતણે બાંધે છે.
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ આ વર્ષે મુંબઈ ઉપરાંત મહારાષ્ટ્રનાં અન્ય શહેરોમાં વસતા ગુજરાતીઓને ગુજરાતી ભાષા તથા સાહિત્યનો પરિચય કરવા કમર કસી છે.
કવિ હિતેન આનંદપરાની પરિકલ્પના ધરાવતો, એકોક્તિ કે નાટ્યઅંશો તથા ગુજરાતી ગીતો અને કાવ્યોનો એક રસપ્રદ કાર્યક્રમ ‘ગમતાંનો કરીએ ગુલાલ’ છેલ્લા ૬ મહિનામાં સોલાપુર, કોલ્હાપુર, આકોલા, અમરાવતી, નાગપુર જેવા શહેરોમાં યોજાઈ ચૂક્યો છે અને તાજેતરમાં જ યવતમાળ તથા ચંદ્રપુરમાં પણ યોજવામાં આવ્યો હતો.
તખ્તા તથા ટીવી સિરિયલોના જાણીતાં કલાકારો – મીનળ પટેલ, સનત વ્યાસ, કલ્પના શાહ તથા યુવાન અદાકારા સેજલ પોંદા, ગિટાર સાથે ગુજરાતી ગીતો રજૂ કરતાં રાઘવ દવે તથા સૂત્રધાર તરીકે ગુજરાતી ભાષાના ઉત્તમ કવિઓનાં કાવ્યોની મોજ કરાવનાર કવિ સંજય પંડ્યા આ શહેરમાં કાર્યક્રમોમાં સહભાગી થયાં છે.
યવતમાળના કાર્યક્રમમાં શ્રી લોહાણા મહાજન ટ્રસ્ટ તથા શ્રી રઘુવંશી મહિલા મંડળનો સહયોગ હતો. ચંદ્રપુરના કાર્યક્રમમાં શ્રી ગુજરાતી સમાજ ટ્રસ્ટ, શ્રી જલારામ સેવા મંડળ, શ્રી લોહાણા મહાજન તથા શ્રી લોહાણા મહિલા મંડળનો સહયોગ હતો. આ બંને કાર્યક્રમનું સંકલન ચંદ્રપુરનાં ડૉ.ઉર્વશી માણેકે કર્યું હતું.