મુંબઈઃ શહેરમાં હવે નાગરિકો માત્ર એક જ ટ્રાવેલ કાર્ડથી બસ, લોકલ ટ્રેન, મેટ્રો અને મોનો ટ્રેન – એમ જાહેર ટ્રાન્સપોર્ટ સેવાઓમાં સફર કરી શકશે. આ મહિનાની આખરમાં આ સુવિધા શરૂ થવાની છે. નાગરિકોના સુલભ અને સરળ પ્રવાસ માટે મહાનગરપાલિકા સંચાલિત ‘બેસ્ટ’ કંપની ‘નેશનલ કોમન મોબિલિટી કાર્ડ’ ઈસ્યૂ કરવાની છે.
પ્રવાસીઓનાં સમયની બચત થાય અને ટિકિટ, પાસ કઢાવતી વખતે છૂટાં પૈસાના વ્યવહારની ઝંઝટને ટાળવા માટે આ સુવિધા તેમને બહુ જ ઉપયોગી થશે. આ કાર્ડ દ્વારા પ્રવાસી ટિકિટના પૈસા ચૂકવી શકશે. એ માટે કાર્ડમાં પૈસા રાખવા આવશ્યક રહેશે. આ કાર્ડ રીચાર્જ કરી શકાશે. દેશમાં જે કોઈ ઠેકાણે સીટી બસ, મેટ્રો ટ્રેન તથા અન્ય જાહેર પરિવહન સેવાઓમાં ‘સામયિક કાર્ડ’ની સુવિધા ઉપલબ્ધ છે ત્યાં ‘બેસ્ટ’ કંપનીનું આ કાર્ડ પણ વાપરી શકાશે. આ કાર્ડનો ઉપયોગ બેન્કના ડેબિટ કાર્ડની જેમ કરી શકાશે. વીજળીનું બિલ ભરવા માટે પણ આ કાર્ડનો ઉપયોગ કરી શકાશે. આ કાર્ડ માટે ‘બેસ્ટ’ કંપની એક બેન્ક સાથે સહયોગ કરવાની છે.