વરિષ્ઠ નાગરિક સાથે રૂ. 16.73 લાખની છેતરપિંડી; સાત જણ સામે પોલીસમાં ફરિયાદ

મુંબઈઃ પોતાને વીમા કંપની અને બેન્કના અધિકારીઓ તરીકે ઓળખાવીને પડોશના થાણે શહેરમાં 62-વર્ષના એક વરિષ્ઠ નાગરિક સાથે 16 લાખ 73 હજાર રૂપિયાની છેતરપિંડી કરનાર સાત જણ સામે પોલીસે ફરિયાદ નોંધી છે અને તપાસ શરૂ કરી છે. ટપાલ વિભાગના એક નિવૃત્ત કર્મચારીએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે સાત વ્યક્તિ સામે ભારતીય ફોજદારી કાયદાની કલમ 420 (છેતરપિંડી) તથા અન્ય સંબંધિત જોગવાઈઓ અંતર્ગત કેસ નોંધ્યો છે.

ફરિયાદીના જણાવ્યા મુજબ, 2018માં એણે એક ખાનગી એજન્સી મારફત વીમો પોલિસી ખરીદી હતી. ત્યારબાદ પોતે 2021માં ટપાલ વિભાગમાંથી નિવૃત્ત થયો હતો. છેલ્લા ચારથી પાંચ વર્ષમાં પોતાને જુદા જુદા નંબરો પરથી ફોન કોલ્સ આવતા રહ્યા હતા. તેઓ પોતાને વીમા નિયામક સંસ્થા IRDA, દિલ્હીના અધિકારીઓ તરીકે ઓળખાવ્યા હતા. ફરિયાદીએ તે ફોન કોલ્સની અવગણના કરી હતી. પરંતુ ગયા માર્ચમાં એને એક ફોન કોલ ફરી આવ્યો હતો અને કહ્યું હતું કે તેની વીમા પોલિસીમાં અમુક ચોક્કસ ઔપચારિક્તા પૂરી કરવામાં નથી આવી. એને કારણે તે ઘણા લાભ ગુમાવી શકે છે. પોતાને વીમા, ભારતીય રિઝર્વ બેન્ક અને વીમા લોકપાલ તરીકે ઓળખાવનારાઓએ કહ્યું હતું કે IRDA દ્વારા તેમની પોલિસીને થિજાવી દેવામાં આવી છે અને આ સમસ્યાનું નિવારણ લાવવા માટે એમણે પૈસા ચૂકવવા પડશે. ભોગ બનનાર નિવૃત્ત કર્મચારીએ અમુક દિવસોમાં કુલ 16 લાખ 73 હજાર રૂપિયા ચૂકવ્યા હતા. પરંતુ પેમેન્ટ કર્યા બાદ પોલિસીની રકમ વિશે કોઈ જાણકારી આવી નહીં અને આરોપીઓનો કોઈ પત્તો લાગ્યો નહીં. તેથી એણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.