મુંબઈ – 1987ના બેચના સિનિયર પોલીસ અધિકારી સંજય બર્વેએ મુંબઈના નવા પોલીસ કમિશનર તરીકેનો હોદ્દો સંભાળી લીધો છે. એમણે હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ઊભી થયેલી કડવાશના સંદર્ભમાં મુંબઈવાસીઓને ખાતરી આપી છે કે મહાનગરમાં સુરક્ષાનો બંદોબસ્ત કડક રહેશે.
તે છતાં બર્વેએ કહ્યું છે કે લોકોએ પણ સજાગ રહેવું પડશે અને કોઈ પણ વ્યક્તિની કે અન્ય પ્રકારની પ્રવૃત્તિ શંકાસ્પદ જણાય તો પોલીસને જાણ કરી દેવાની રહેશે.
સંજય બર્વેએ સુબોધ જૈસ્વાલનું સ્થાન લીધું છે. જૈસ્વાલને મહારાષ્ટ્રના પોલીસ વડા – ડીજીપી (ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ) તરીકે બઢતી આપવામાં આવી છે.
બર્વે આ પહેલાં એન્ટી-કરપ્શન બ્યુરોમાં ડાયરેક્ટર જનરલ હતા. એમની જગ્યાએ હવે પોલીસ અધિકારી પરમબીર સિંહની નિમણુક કરાશે.
અબ્દુલ કરીમ તેલગીના કરોડો રૂપિયાના નકલી સ્ટેમ્પ પેપર કૌભાંડમાં તપાસ કરનાર સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમના સંજય બર્વે એક સભ્ય હતા. એમને 2006માં પ્રેસિડેન્ટ્સ પોલીસ મેડલથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
મૃદુભાષી તરીકે જાણીતા બર્વેએ મહારાષ્ટ્રના ગુપ્તચર વિભાગમાં પણ સેવા બજાવી હતી. એ આ વર્ષના ઓગસ્ટમાં નિવૃત્ત થવાના છે.
1997માં મુંબઈના ઘાટકોપર (પૂર્વ)માં રમાબાઈ આંબેડકર કોલોનીમાં જ્યારે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડાયા બાદ થયેલા રમખાણોમાં પોલીસે કરેલા ગોળીબારમાં 11 દલિતો માર્યા ગયા હતા. એ વખતે કોમી એખલાસ જાળવી રાખવામાં સંજય બર્વેએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.