મુંબઈ નજીકના પાલઘરમાં ફરી ધરતીકંપનો આંચકો આવ્યો; અસર ગુજરાતની સીમા સુધી જણાઈ

મુંબઈ – અહીંથી નજીકમાં આવેલા પાલઘર જિલ્લામાં આજે ફરી ભૂકંપનો આંચકો લાગ્યો હતો. જિલ્લાના કેટલાક ભાગોમાં આવેલા ભૂકંપના આંચકાની તીવ્રતા રીક્ટર સ્કેલ પર 4.3ની નોંધાઈ હતી.

સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી.

આંચકાનો અનુભવ પડોશના ગુજરાત રાજ્યના સીમા પરના વિસ્તારોના ઘણા લોકોને પણ થયો હતો, જેમાં ઉમરગામ, પારડી, વાપી અને વલસાડનો સમાવેશ થાય છે.

છેલ્લા કેટલાક દિવસોથી ભૂકંપના હળવા આંચકા પાલઘરમાં થતા રહ્યાં છે. આજે સવારે 11.14 વાગ્યે આંચકો આવ્યો હતો. ગયા નવેંબર મહિનાથી પાલઘર જિલ્લામાં ભૂકંપના આંચકા લાગે છે. આજે આવેલો આંચકો સૌથી વધારે તીવ્રતાનો હતો.

પાલઘર જિલ્લાના દહાણુ અને તલાસરી તાલુકાઓમાં આંચકાની અસર વધારે હતી. આ વિસ્તારોનાં લોકો ગયા નવેંબર મહિનાથી આંચકાઓ સહન કરી રહ્યાં છે. આજે આવ્યો એની પહેલાં ગઈ 20 માર્ચે આંચકો આવ્યો હતો, એમ રીજનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા સંતોષ કદમે કહ્યું છે.

આજના આંચકાનું કેન્દ્રબિંદુ પણ ફરી દહાણુ તાલુકાના દુંડલવાડી ગામમાં હોવાનું માલુમ પડ્યું હતું.

ભૂકંપના સતત આંચકા લાગતા હોવાથી દહાણુ અને તલાસરી તાલુકાનાં ગામોનાં રહેવાસીઓ સતત ભય હેઠળ રહે છે. ઘણા લોકો રાતે એમના ઘરને બદલે કામચલાઉ તંબૂઓમાં રહે છે.

ગઈ 1 ફેબ્રુઆરીએ તો અડધો ડઝન આંચકા લાગ્યા હતા, જેની તીવ્રતા 3 થી લઈને 4.1 સુધીની હતી. એને કારણે લોકોમાં ખૂબ ગભરાટ ફેલાયો હતો.