ફેરિયાઓના મામલે રેલવેતંત્રને રાજ ઠાકરેની ૧૫-દિવસની ડેડલાઈન

મુંબઈ – પશ્ચિમ રેલવેના લોકલ નેટવર્ક પરના સ્ટેશન એલફિન્સટન રોડના ફૂટઓવર બ્રિજ પર તાજેતરમાં 23 જણનો ભોગ લેનાર નાસભાગની દુર્ઘટના બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીએ આજે શહેરમાં ‘સંતાપ મોરચો’ કાઢ્યો હતો અને એમાં પક્ષના વડા રાજ ઠાકરેએ રેલવે તંત્ર તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરાં પ્રહારો કર્યા હતા.

દક્ષિણ મુંબઈના મેટ્રો થિયેટરથી આશરે ત્રણેક કિલોમીટરના અંતરે આવેલા ચર્ચગેટ ઉપનગરમાં પશ્ચિમ રેલવેના મુખ્યાલય સુધી કાઢવામાં આવેલા મોરચાની આગેવાની રાજ ઠાકરેએ લીધી હતી. ત્યાં પહોંચ્યા બાદ એમણે રેલવે મુખ્યાલયની બહારના રસ્તા પર લોકોની વિરાટ રેલીને સંબોધિત કરી હતી જેમાં તેમણે રેલવે વહીવટીતંત્રને ઉદ્દેશીને જણાવ્યું હતું કે મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવે પરિસરમાંથી ફેરિયાઓને 15 દિવસમાં હટાવો નહીં તો 16મા દિવસથી ‘મનસે’ની સ્ટાઈલમાં એમને હટાવવામાં આવશે.

ઠાકરેએ વધુમાં કહ્યું હતું કે મનસે પાર્ટીનો આજનો મોરચો તો શાંતિપૂર્ણ રહ્યો છે, પણ જો પ્રશાસન કામ નહીં કરે અમારો હવે પછીનો મોરચો શાંતિપૂર્ણ નહીં હોય.

રાજ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિરુદ્ધ આજે ફરી આકરાં વેણ ઉચ્ચાર્યા હતા. દેખીતી રીતે જ વિરોધ પક્ષોને ઝપટમાં લેતાં રાજે કહ્યું હતું કે બુલેટ ટ્રેનનો સૌથી પહેલો વિરોધ કરનાર હું જ હતો, ત્યારબાદ બીજાં પોપટ બોલવા લાગ્યા હતા. સુરેશ પ્રભુએ બુલેટ ટ્રેનનો વિરોધ કર્યો હતો એટલે એમને રેલવેપ્રધાન પદેથી કાઢી મૂક્યા. શું દેશ ફક્ત ૨-૩ માણસો જ ચલાવે છે કે?

રાજે વધુમાં કહ્યું કે મુંબઈમાં રેલવેની સ્થિતિ અત્યંત ખરાબ છે. રેલવેને લેખિતમાં જણાવવાથી પણ કોઈ ફરક પડતો નથી. એલફિન્સ્ટન પૂલ પરની નાસભાગનાં દ્રશ્યો જોવાય એવા નહોતા. દેશની કેવી દયાજનક સ્થિતિ કરી મૂકી છે. હવે હું જ ૧૫ દિવસની મુદત આપું છું. ૧૬મા દિવસથી મારાં સહયોગીઓ જ કામ પૂરું કરવા માંડશે.

મોદીની કામગીરીની ટીકા કરતાં ઠાકરેએ કહ્યું કે મોદી જૂઠું બોલે છે અને દેશની જનતાને ગેરમાર્ગે દોરે છે. મને હવે ભાન થયું છે કે થોડાક વર્ષો પહેલાં હું રતન ટાટા (ઉદ્યોગપતિ)ના કહેવાથી ગુજરાતની મુલાકાતે ગયો હતો. એ વખતે મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા. મને ત્યાં વિકાસનું ગેરમાર્ગે દોરનારું ચિત્ર દર્શાવવામાં આવ્યું હતું. દેશની જનતાને હવે મોદીમાં વિશ્વાસ રહ્યો નથી. તેઓ રોજેરોજ માત્ર ભાષણો જ આપ્યા કરે છે.

રાજ ઠાકરેના પત્ની શર્મિલા ઠાકરે પણ ‘મનસે’ રેલીમાં સામેલ થયાં છે.