મુંબઈઃ શહેરમાં દરેક દુકાન, હોટલ, રેસ્ટોરન્ટ, શોરૂમ, બેન્ક, શોપિંગ મોલના મરાઠીમાં બોર્ડ મૂકવાના મુદ્દે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટી ફરી આક્રમક બની છે. મનસેના કાર્યકર્તાઓ આજે કુર્લા ઉપનગરના ફિનિક્સ મોલ ખાતે ધસી ગયા હતા અને ત્યાંના સંચાલકોને ચેતવણી આપી હતી કે દસ દિવસમાં મોલનું બોર્ડ મરાઠીમાં લગાડો નહીં તો મનસે એની પોતાની સ્ટાઈલમાં જવાબ આપશે.
અંધેરી (ઈસ્ટ)ના ચાંદિવલી વિસ્તારના મનસે વિભાગ અધ્યક્ષ મહેન્દ્ર ભાનુશાલીના નેતૃત્ત્વ હેઠળ મનસે કાર્યકર્તાઓ કુર્લાના ફિનિક્સ મોલ ખાતે ગયા હતા અને આંદોલન કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ પોલીસો ત્યાં સમયસર પહોંચી ગયા હતા અને કેટલાક મનસે કાર્યકર્તાઓની અટક કરી હતી. મનસે કાર્યકર્તાઓ અને મોલના સંચાલકો વચ્ચે બોલાચાલી થતાં વાતાવરણ તંગ થયું હતું. પરંતુ પોલીસોએ મનસેના કાર્યકર્તાઓને અટકાયતમાં લઈ લીધા હતા. પરંતુ પાર્ટીએ મોલના સંચાલકોને ચેતવણી આપી છે કે તેઓ દસ દિવસમાં મોલનું મરાઠીમાં લખેલું પાટીયું મૂકાવે, નહીં તો પથ્થરમારો થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં તમામ દુકાનોના બોર્ડ મરાઠી ભાષામાં મૂકવાની મુંબઈ હાઈકોર્ટે આપેલી મહેતલ ગઈ 25 તારીખે પૂરી થઈ ચૂકી છે.