લાલબાગ ફ્લાઈઓવર પર ટેમ્પો-ટેક્સી અથડાતાં બે જણનાં મરણ

મુંબઈઃ અહીંના લાલબાગ-પરેલ ફ્લાઈઓવર પર વહેલી સવારે એક ટેક્સી સાથે ટેમ્પો અથડાતાં બે જણનાં કરૂણ મરણ થયા છે અને એક મહિલા સહિત ત્રણ જણ ગંભીર રીતે જખ્મી થયા છે.

આ અકસ્માત વહેલી સવારે 5.30 વાગ્યે થયો હતો. બનાવની વિગત એવી છે કે, બ્રિજ ઉપર એક ટેક્સી સાથે એક સીમેન્ટ મિક્સર ટ્રક સહેજ ટકરાઈ હતી. એને કારણે ટેક્સી ડ્રાઈવર અને ટ્રક ડ્રાઈવર વચ્ચે બોલાચાલી થઈ હતી. ટ્રક ડ્રાઈવરે એના સુપરવાઈઝરને ફોન કરીને જાણ કરી હતી. ડ્રાઈવરે તે પછી ફોન ટેક્સી ડ્રાઈવરને આપ્યો હતો અને સુપરવાઈઝરે ટેક્સી ડ્રાઈવરને કહ્યું હતું કે ટેક્સીને જે કંઈ નુકસાન થયું હશે એ પોતે ભરપાઈ કરી આપશે. એ ખાતરી મળ્યા બાદ ટેક્સી ડ્રાઈવર જવાની તૈયારીમાં જ હતો ત્યાં એક ધસમસતો આવેલો ટેમ્પો ટેક્સી સાથે જોરથી અથડાયો હતો. એને કારણે ટેક્સીમાં બેઠેલી એક મહિલા અને બે પુરુષ ગંભીર રીતે ઘાયલ થયા હતા. મૃત્યુ પામેલાઓનાં નામ છેઃ દુર્યોધન ગાયકવાડ અને રાજેશ જયસ્વાલ. કોકિલા વાઘરી અને જયરામ યાદવ નામના બે જણને ગંભીર ઈજા થઈ છે.

પોલીસે ટેમ્પોના ડ્રાઈવર લલ્લુલાલ લક્ષ્મણ સાકેત (40) સામે એફઆઈઆર ફરિયાદ નોંધી હતી. અકસ્માતમાં સાકેતને પણ ઈજા થઈ હતી અને હોસ્પિટલમાં તે પણ સારવાર હેઠળ છે.