મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર પૃથ્વી શૉ પર એક હોટેલની બહાર હુમલો કરવાના કેસમાં સોશ્યલ મીડિયા ઈન્ફ્લૂએન્સર અને મોડેલ સપના ગિલની ગઈ કાલે ધરપકડ કરાયા બાદ આજે એને અંધેરી ઉપનગરની એક કોર્ટમાં હાજર કરવામાં આવી હતી. મેજિસ્ટ્રેટે એને 20 ફેબ્રુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.
કોણ છે સપના ગિલ?
સપના ગિલ ઈન્સ્ટાગ્રામ અને સોશ્યલ મીડિયાની ઈન્ફ્લૂએન્સર ઉપરાંત મોડેલ છે અને એણે ત્રણ ફિલ્મોમાં અભિનય પણ કર્યો છે. એ ભોજપુરી અભિનેત્રી છે. એણે રવિ કિશન, દિનેશ લાલ યાદવ નિરહુઆ, પવનસિંહ અને ખેસારી જેવા ભોજપુરી સુપરસ્ટારો સાથે કામ કર્યું છે. સપના મૂળ ચંડીગઢની વતની છે. ઈન્સ્ટાગ્રામ પર એનાં 2,21,000થી વધારે ફોલોઅર્સ છે. ફોટો-વીડિયોને કારણે એ યુવાઓમાં લોકપ્રિય છે.
પોતાની કાર પર બેઝબોલના બેટ વડે હુમલો કરવા બદલ ક્રિકેટર પૃથ્વીએ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ જોગેશ્વરી વેસ્ટના ઓશિવરા પોલીસ સ્ટેશનના સત્તાવાળાઓએ સપના ગિલ તથા બીજા સાત જણની ગઈ કાલે ધરપકડ કરી હતી. સપનાનો દાવો છે કે એણે પૃથ્વી પર હુમલો કર્યો નહોતો, ઉલ્ટાનું એણે પોતાની મારપીટ પર કર્યાંનો પૃથ્વી પર વળતો આરોપ મૂક્યો છે.
બનાવની વિગત એવી છે કે પૃથ્વી એના એક મિત્ર સાથે 15-16 ફેબ્રુઆરીની રાતે વિલે પાર્લેની એક લક્ઝરીયસ હોટેલમાં જમવા ગયો હતો. સપના પણ એનાં મિત્રો સાથે ત્યાં પાર્ટી કરી રહી હતી. તે અને એનો એક મિત્ર પૃથ્વી પાસે ગયાં હતાં અને સેલ્ફી લેવા કહ્યું હતું. પૃથ્વીએ સેલ્ફી લેવા દીધી હતી. ત્યારબાદ સપનાનાં બીજાં મિત્રો પણ આવ્યા તો એમની સાથે સેલ્ફી લેવાનો પૃથ્વીએ ઈનકાર કર્યો હતો. પરિણામે એમની વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં પૃથ્વી અને એનો મિત્ર હોટેલમાંથી બહાર નીકળીને એમની કારમાં રવાના થયા ત્યારે પેલા લોકોના ટોળાએ એમનો પીછો કર્યો હતો અને જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડ જંક્શન પર કારને આંતરીને એની પર બેટ વડે હુમલો કર્યો હતો. તે હુમલામાં કારનો વિન્ડસ્ક્રીન તૂટી ગયો હતો. તે સ્થળના વીડિયો સપનાનાં અમુક મિત્રોએ એમનાં ફોન પર ઉતારીને ઈન્ટરનેટ પર વાઈરલ કર્યા હતા. એક વીડિયોમાં પૃથ્વી સપનાનાં હાથમાંથી બેટ છીનવતો અને એને ધક્કો મારીને કોઈકને મારવા માટે આગળ વધતો દેખાય છે.
મુંબઈની રણજી ટ્રોફી ટીમના ઓપનર પૃથ્વીને ગયા જાન્યુઆરીમાં ન્યૂઝીલેન્ડ સામેની ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની શ્રેણીની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ એકેય મેચમાં એને રમાડવામાં આવ્યો નહોતો.