NSEમાં મુહુર્ત ટ્રેડિંગના દિવસે ખીચડીના કલાકારોની ટીમની હાજરી

મુંબઈઃ સંવંત 2080નો પ્રારંભ તેજી સાથે થયો હતો. દિવાળીના શુભ અવસરે ખાસ મુહુર્ત ટ્રેડિંગમાં બજાર તેજી સાથે બંધ થયું હતું. નવા સંવંતના પહેલા સેશનમાં સેન્સેક્સ 354.77 પોઇન્ટ સાથે 65,259.45ના સ્તરે અને નિફ્ટી 100.2 પોઇન્ટની તેજી સાથે 19,525.55ના મથાળે બંધ થયો હતો.

આ વરસે દિવાળીના મુહુર્ત ટ્રેડિંગના દિવસે NSEનો માહોલ કંઈક વિશેષ બની રહ્યો હતો. આ શુભ દિવસે NSEમાં યુએસ કોન્સ્યુલેટ જનરલ, મુંબઈના ડેપ્યુટી પ્રિન્સિપાલ ઓફિસર માઈકલ સ્ક્રુડર-IIM, જમ્મુના ચેરમેન પદ્મશ્રી મિલિન્દ કામ્બલે, ચિત્રલેખાના ચેરમેન મૌલિક કોટક પણ વિશેષ હાજર હતા. આ સાથે-સાથે જાણીતા નિર્માતા દિગ્દર્શક જમનાદાસ મજેઠિયા અને એમની આવનારી ફિલ્મ ખીચડી-૨ના કલાકારો પણ હાજર હતા. આ ઉપરાંત સિરિયલ-ફિલ્મ ખીચડીની ટીમના અગ્રણી કલાકારોમાં જે. ડી. મજિઠિયા,આતિષ કાપડિયા, સુપ્રિયા પાઠક, અનંગ દેસાઈ, વંદના પાઠક અને રાજીવ મહેતાએ પણ NSEની બેલ રિંગના પ્રસંગમાં ભાગ લીધો હતો. NSEના મેનેજિંગ ડિરેકટર આશિષ ચૌહાણે આ પ્રસંગે સૌનું સ્વાગત કર્યુ હતું. મજાની વાત એ છે કે મુહુર્ત ટ્રેડિંગના દિવસે નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો હતો.

NSEમાં મુહૂર્ત ટ્રેડિંગ એ અમારી સહિયારી નાણાકીય આકાંક્ષાઓનું પ્રમાણપત્ર છે. આ વાઇબ્રન્ટ માર્કેટપ્લેસના હાર્દમાં, જેમ જેમ દિવાળીની રોશની ઝળકે છે, અમે સાવચેત પસંદગીઓ અને વ્યૂહાત્મક રોકાણોની સફર શરૂ કરીએ છીએ. આ શુભ સમયમાં કરવામાં આવેલા દરેક ટ્રેડ રોકાણકારોમાં વૃદ્ધિ અને એકતાની ભાવનાનું વચન આપે છે.

NSE રોકાણકારોને ફક્ત રજિસ્ટર્ડ મધ્યસ્થીઓ સાથે વ્યવહાર કરવા અને અનિયંત્રિત પ્રોડક્ટ્સમાં વ્યવહાર કરવાથી દૂર રહેવા માટે પ્રોત્સાહિત કરે છે. શેરબજાર લાંબા ગાળાની સંપત્તિ બનાવવા માટે છે. એક દુઃખદ અનુભવ અસરગ્રસ્ત રોકાણકારોને ફરી ક્યારેય શેરબજારમાં પ્રવેશવા માટે નિરાશ કરે છે. ડેરિવેટિવ્સમાં સંકળાયેલા ઊંચા જોખમને કારણે રિટેલ રોકાણકારોએ ડેરિવેટિવ્ઝમાં ટ્રેડ કરવાનું ટાળવું જોઈએ.

લાંબા ગાળાના ખેલાડી બનો. ભારતની વિકાસગાથામાં ભાગ લેવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે. તમારા ટ્રેડ સાનુકૂળ રહે, રોકાણો ફળદાયી બને અને દિવાળીની ભાવના આપણને વિપુલતા અને નાણાંકીય સફળતા તરફ દોરી જાય તેવી અભ્યર્થના. NSEમાં મુહૂર્તની શુભકામનાઓ, જ્યાં દરેક ટ્રેડ આવતી કાલને વધુ મજબૂત, સમૃદ્ધ બનાવવાના અમારા સામૂહિક સંકલ્પને દર્શાવે છે, એમ NSEના MD અને CEO આશિષકુમાર ચૌહાણે જણાવ્યું હતું.