ડ્રગ્સ-કેસમાં ખંડણીનો આરોપઃ વાનખેડે સામે વિજિલન્સ તપાસ

મુંબઈઃ બોલીવુડની અનેક હસ્તીઓને સંડોવતા ડ્રગ્સ કેસમાં હવે ખુદ કેન્દ્રીય તપાસ એજન્સી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના ઝોનલ અધિકારી સમીર વાનખેડે પણ સપડાઈ ગયા છે. ક્રુઝ ડ્રગ્સ કેસમાં પ્રભાકર સાઈલ નામના એક સાક્ષીદારે વાનખેડે સામે કરેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરવા માટે એનસીબીએ વિજિલન્સ તપાસ કરાવવાનો આદેશ આપ્યો છે. સાક્ષીદારે સોગંદનામું નોંધાવીને એવો આરોપ મૂક્યો છે કે ડ્રગ્સ કેસના એક આરોપી અને બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને છોડી મૂકવાના બદલામાં વાનખેડે સહિત એનસીબીના કેટલાક અધિકારોએ રૂ. 25 કરોડ માગ્યા હતા. વિજિલન્સ તપાસની કામગીરી નવી દિલ્હીસ્થિત એજન્સીના મુખ્યાલયમાં ઉત્તરીય વિભાગના ડેપ્યૂટી ડાયરેક્ટર જનરલ જ્ઞાનેશ્વરસિંહને સોંપવામાં આવી છે. જ્ઞાનેશ્વરસિંહ એનસીબીના ચીફ વિજિલન્સ ઓફિસર છે.

પ્રભાકરે કહ્યું છે કે પોતે ડ્રગ્સ કેસના અન્ય સાક્ષીદાર કે.પી. ગોસાવીનો બોડીગાર્ડ છે. ગોસાવી લાપતા છે. ગઈ 3 ઓક્ટોબરે મુંબઈ સમુદ્રકાંઠા પરના ક્રુઝ ટર્મિનલ ખાતે ગોવા જતા ક્રુઝ જહાજ ‘કોર્ડેલિયા’ પર એનસીબીના અધિકારીઓએ દરોડો પાડ્યો હતો અને આર્યન ખાન સહિત 20 જણને અટકમાં લીધા હતા. તે ઘટના બાદ ગોસાવી લાપતા છે. સાઈલે કહ્યું કે ગોસાવી શાહરૂખ ખાનના મેનેજરને મળ્યા હતા ત્યારે પોતે હાજર હતો. પોતાને વાનખેડેની હાજરીમાં 9-10 કોરા કાગળો પર સહી કરવા કહેવામાં આવ્યું હતું.

જ્ઞાનેશ્વરસિંહે કહ્યું છે કે અમારી સંસ્થા વ્યાવસાયિક છે અને અમારા કર્મચારીઓ સામેના કોઈ પણ આરોપમાં તપાસ કરવા તૈયાર છીએ. વાનખેડે સામેની તપાસ પારદર્શી અને યોગ્ય રહેશે. તપાસ આગળ વધશે અને પુરાવા મળશે એ પછી નક્કી કરાશે કે વાનખેડેને ક્રુઝ કેસની તપાસમાં ચાલુ રાખવા કે નહીં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]