નવી મુંબઈઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે અહીંના ખારઘર ઉપનગર ખાતે આયોજિત વિશેષ સમારોહમાં જાણીતા સમાજસેવક અને આધ્યાત્મિક ગુરુ ‘પદ્મશ્રી’ દત્તાત્રેય નારાયણ ધર્માધિકારી ઉર્ફે આપ્પાસાહેબ ધર્માધિકારીને વર્ષ 2022 માટેનો ‘મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ’ એનાયત કરીને સમ્માનિત કર્યા હતા. આપ્પાસાહેબ ધર્માધિકારીએ મહારાષ્ટ્રમાં વ્યાપકપણે વૃક્ષારોપણ, રક્તદાન ઝુંબેશો હાથ ધરી છે. તે ઉપરાંત આદિવાસી વિસ્તારોમાં મેડિકલ કેમ્પ તેમજ વ્યસન-મુક્તિ સેવાઓ પણ પૂરી પાડી છે. આ એવોર્ડ સ્મૃતિચિન્હ, શાલ, માનપત્ર અને રૂ. 25 લાખના રોકડ ઈનામ સ્વરૂપે આપવામાં આવે છે.
આ પ્રસંગે અમિત શાહે એમના સંબોધનમાં કહ્યું હતું કે, ‘છત્રપતી શિવાજી મહારાજના મહારાષ્ટ્રએ દેશને ત્રણ મોટા વિચાર આપ્યા છેઃ સ્વરાજ્ય, ભક્તિ અને શિક્ષણ. હવે આપ્પાસાહેબ ધર્માધિકારી એ ત્રણ વિચારના માધ્યમથી આગળ વધી રહ્યા છે.’ આ પ્રસંગે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તથા એમના પ્રધાનમંડળના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
‘મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ’ની સ્થાપના 1995માં શિવસેના-ભાજપની સરકાર દ્વારા કરવામાં આવી હતી. શરૂઆતમાં આ પુરસ્કાર સાહિત્યત, ખેલકૂદ અને વિજ્ઞાન ક્ષેત્રોમાં સિદ્ધિ હાંસલ કરનાર હસ્તીઓને આપવામાં આવ્યો હતો. બાદમાં તેનો વિસ્તાર કરીને સમાજસેવા, પત્રકારત્વ, જાહેર વહીવટીતંત્ર અને આરોગ્ય સેવાઓ જેવા ક્ષેત્રોનો પણ એમાં ઉમેરો કરવામાં આવ્યો છે.