મુંબઈ – અહીંના બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં રસ્તા પર જોખમી મોટરસાઈકલ સ્ટન્ટ કરનાર એક યુવકની પોલીસે ધરપકડ કરી છે.
આ યુવકનું નામ અદનાન શેખ છે. એ 24 વર્ષનો છે. ટીક-ટોક જેવા વિડિયો શેરિંગ પ્લેટફોર્મ્સ પર પોતાનાં બાઈક સ્ટન્ટના વિડિયો અપલોડ કરવા માટે અદનાન એવા જોખમી સ્ટન્ટ કરતો હતો.
એણે બાન્દ્રા રેક્લેમેશન વિસ્તારમાં અનેક સ્ટન્ટ કર્યા હતા અને એના વિડિયો સોશિયલ મિડિયા પર અપલોડ કર્યા હતા. આ વિડિયોએ અમુક સિનિયર પોલીસ અધિકારીઓનું ધ્યાન ખેંચ્યું હતું અને એ વિશે તરત જ તપાસ હાથ ધરવામાં આવી હતી.
ડીસીપી સંદીપ ભાજીભાકરે (ટ્રાફિક, સબર્બ્સ)ના જણાવ્યા મુજબ, આરોપી યુવકે કરેલા બાઈક સ્ટન્ટના વિડિયો ગયા રવિવારે રાતે વાયરલ થયા હતા અને એનો અભ્યાસ કર્યા બાદ અમે એ વિસ્તારને ઓળખી કાઢ્યો હતો. એ બાન્દ્રા રેક્લેમેશન વિસ્તારમાં શુટ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં પોલીસોએ તે સ્ટન્ટબાજ યુવકને અદનાન શેખ તરીકે ઓળખી કાઢ્યો હતો.
રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસની સહાયતા સાથે પોલીસ અધિકારીઓએ તે યુવકનાં ઘરનું સરનામું શોધી કાઢ્યું હતું. એ બાન્દ્રા ઈસ્ટના ધારાવી વિસ્તારનો રહેવાસી છે. તરત જ પોલીસ ટૂકડી એના ઘેર પહોંચી હતી અને એની ધરપકડ કરી હતી.
જાહેર રસ્તા પર બેફામપણે વાહન હંકારવા અને પોતાની તથા અન્યોની સલામતીને જોખમમાં મૂકવાનો શેખ સામે ભારતીય ફોજદારી ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એની સામે મોટર વેહિકલ્સ એક્ટ હેઠળ તેમજ હેલ્મેટ પહેર્યા વગર મોટરસાઈકલ હંકારવાનો પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
અદનાન શેખના વકીલે એવો દાવો કર્યો હતો કે આ વિડિયો છેક 2016ની સાલનો છે.
પોલીસ વધારે તપાસ કરી રહી છે અને ત્યારબાદ આગળનું પગલું ભરશે.
શેખ વ્યવસાયે મોડેલ છે અને ટીક ટોક, ઈન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ જેવા પ્લેટફોર્મ્સ પર એનાં ઘણાં ફોલોઅર્સ છે.