મુંબઈઃ એક આંતરરાષ્ટ્રીય સ્તરના પર્યટન સંકુલ-કમ-વિશ્વ કક્ષાના એક્વેરિયમ (માછલીઘર) પ્રોજેક્ટ, જે દેશમાં આ પ્રકારનો પ્રથમ જ હશે, તેને મુંબઈના વરલી વિસ્તારમાં બાંધવાનો માર્ગ મોકળો કરી દેવામાં આવ્યો છે. આ મેગા-પ્રોજેક્ટ રાજીવ ગાંધી બાન્દ્રા વરલી સી લિન્ક નજીક વરલી ડેરી કોમ્પલેક્સમાં 14.55 એકર જમીન પર બાંધવામાં આવશે. એ માટેનો અંદાજિત ખર્ચ રૂ. 1,000 કરોડ છે અને પ્રોજેક્ટ 2023ના ડિસેમ્બર સુધીમાં પૂરો કરવાની ધારણા છે.
મહારાષ્ટ્ર સરકારે દરિયા કાંઠે આવેલી જમીનને ટ્રાન્સફર કરવાનું નોટિફિકેશન બહાર પાડીને આ પ્રોજેક્ટનો આરંભ કરાવ્યો છે. આ જમીન જે રાજ્ય સરકારના ડેરી વિકાસ વિભાગ અને મહેસુલ વિભાગને હસ્તક હતી તે હવે શહેરી વિકાસ વિભાગને સુપરત કરાઈ છે. એક્વેરિયમ પ્રોજેક્ટ શરૂ થશે એટલે હાલની વરલી ડેરી અને ડેરી ડેવલપમેટ કમિશનરની ઓફિસને ગોરેગાંવ (ઈસ્ટ)માં આવેલી આરે મિલ્ક કોલોનીમાં શિફ્ટ કરવામાં આવશે.
હાલ મુંબઈમાં મરીન લાઈન્સના મરીન ડ્રાઈવ વિસ્તારમાં માછલીઘર આવેલું છે જે તારાપોરવાલા એક્વેરિયમ તરીકે જાણીતું છે અને પર્યટકો માટે આકર્ષણના કેન્દ્રોમાંનું એક છે. એમાં ભારત તથા વિશ્વના અનેક ભાગોમાંની વિવિધ પ્રકારની માછલીઓ રાખવામાં આવી છે. આ માછલીઘરનું બાંધકામ 1951માં કરવામાં આવ્યું હતું અને 2015માં એનું રીનોવેશન કરાયું હતું. ત્યાં 2000 પ્રકારની માછલીઓ તથા 400 જેટલા અન્ય જળચર પ્રાણીઓ તાજા પાણીની પેટીઓમાં ડિસ્પ્લે માટે રાખવામાં આવ્યા છે. વરલીમાં નવું માછલીઘર બંધાશે તે પછી આ તારાપોરવાલા માછલીઘર પણ ચાલુ જ રહેશે.