બાન્દ્રા-વરલી સી લિન્ક પર સુરક્ષા-દેખરેખ મજબૂત બનાવાશે

મુંબઈઃ આ જ મહિનાના આરંભમાં બનેલા બે ભયાનક જીવલેણ અકસ્માતોને પગલે અહીંના બાન્દ્રા-વરલી સી લિન્ક બ્રિજ પર સુરક્ષા બંદોબસ્ત તથા દેખરેખનું વ્યવસ્થાતંત્ર વધારે મજબૂત બનાવવાનો સત્તાવાળાઓએ નિર્ણય લીધો છે. આ પ્રતિષ્ઠિત પૂલ પર મૃત્યુનું પ્રમાણ ઘટે એ માટેની તકેદારી વધારવામાં આવશે.

પૂલ પર નવું ઈન્સિડન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ નામક સોફ્ટવેર બેસાડવામાં આવશે જે કોઈ પણ બનાવ બને એની અમુક સેકંડોમાં જ સુરક્ષા એજન્સીઓને એલર્ટ મોકલશે. આ સિસ્ટમ ટોલ ઓપરેટર્સ, ક્વિક રીસ્પોન્સ ટીમ, ટ્રાફિક પોલીસ સત્તાવાળાઓ વગેરેને તાકીદ કરશે. બાન્દ્રા પશ્ચિમ અને વરલી વિસ્તારોને દરિયા પર જોડતા આ પૂલ પર હાલ છ સ્પીડ કેમેરા મૂકવામાં આવ્યા છે. આવા વધારે કેમેરા મૂકવામાં આવશે.