હિન્દુવાદી સંગઠનોએ કાઢ્યો ‘હિન્દુ જન આક્રોશ મોરચો’

મુંબઈઃ હિન્દુવાદી સંગઠનોની છત્ર સંસ્થા ‘સકલ હિન્દુ સમાજ’ના ઉપક્રમે આજે અહીં ‘હિન્દુ જન આક્રોશ મોરચા’ બેનર હેઠળ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કૂચ દાદર (વેસ્ટ)સ્થિત શિવાજી પાર્ક ખાતેથી શરૂ કરવામાં આવી હતી. એમાં અનેક હિન્દુત્વ સંસ્થા, સંગઠનોનાં કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો, તે ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના બાળાસાહેબાંચી શિવસેના (BSS) પાર્ટી તેમજ ભાજપના અનેક નેતાઓ પણ જોડાયા હતા. બાદમાં પરેલ ઉપનગરના કામગાર મેદાન ખાતે કૂચનું સમાપન થયું હતું.

કૂચને કારણે દાદર-પરેલ વિસ્તારમાં પોલીસ દ્વારા અનેક ટ્રાફિક નિયમનો અમલમાં મૂક્યા હતા. તે વિશે નાગરિકોને આગોતરી જાણ પણ કરી દેવામાં આવી હતી.

મહારાષ્ટ્રભરમાં આવી લગભગ 30 રેલીઓ યોજવામાં આવી ચૂકી છે. આયોજકોની માગણી છે કે સરકાર લવ જિહાદ અને ધર્મ પરિવર્તન વિરોધી કાયદાનો અમલ કરે.