મુંબઈ – મહાનગરના માર્ગો પર ટ્રાફિક જામની સમસ્યા હળવી થાય એ માટે તેમજ ટ્રાફિક નિયમોનાં ભંગના કિસ્સાઓ પર ચાંપતી દેખરેખ રાખવા માટે મુંબઈ પોલીસ અત્યાધુનિક ટ્રાફિક સંચાલન સિસ્ટમ બેસાડવાની છે.
મુંબઈ ટ્રાફિક પોલીસ ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (ITMS) બેસાડવાની છે.
આ સિસ્ટમ શહેરભરમાં 617 જંક્શન ખાતે બેસાડવામાં આવશે.
આ સિસ્ટમ અંતર્ગત નવા 4,705 ટ્રાફિક સિગ્નલ્સ મૂકવામાં આવશે. તે ઉપરાંત 300 રેડ લાઈટ વાયોલેશન ડીટેક્શન કેમેરા, વાહનોની નંબર પ્લેટ્સને ઓટોમેટિક ઓળખી કાઢવા માટેના વિશિષ્ટ એવા 925 કેમેરા, ખોટા માર્ગે જતા વાહનોને ઓળખી કાઢવા માટેના 300 કેમેરા અને કોર્નર પાર્કિંગ માટેના 300 કેમેરા પણ મૂકવામાં આવશે.
ITMS સોફ્ટવેરમાં ટ્રાફિક ડેટા હશે, જેનો ઉપયોગ સિગ્નલ્સ ખાતે ટાઈમિંગ્સ નક્કી કરવા અને મોડીફાય માટે કરાશે.
મુંબઈના રસ્તાઓ પર ટ્રાફિકના અસરકારક નિયમન માટે આ નવી સિસ્ટમ ડેવલપ કરવાની જરૂર ઊભી થઈ છે, એમ જોઈન્ટ પોલીસ કમિશનર (ટ્રાફિક) અમિતેશ કુમારે જણાવ્યું છે.
મુંબઈ પોલીસે આ અત્યાધુનિક સિસ્ટમ બેસાડવા માટેનો પ્રસ્તાવ મહારાષ્ટ્રના ગૃહ મંત્રાલયને મોકલી આપ્યો છે.
એ માટેના ટેન્ડર્સ આ મહિનાની શરૂઆતમાં બહાર પાડવામાં આવ્યા હતા અને બિડિંગની સમાપ્તિની તારીખ 31 માર્ચ નક્કી કરવામાં આવી છે.
મુંબઈ પોલીસને આશા છે કે આ નવી સિસ્ટમ કોન્ટ્રાક્ટ નક્કી થઈ ગયા બાદ 20 મહિનામાં કાર્યાન્વિત કરી શકાશે