મુંબઈ – મલ્ટીપ્લેક્સીસમાં દર્શકોને અંદરના ખાદ્યપદાર્થો જ ખરીદવાની ફરજ પાડવા અને એમને ઘેરથી કે બહારથી ખાદ્યપદાર્થો લઈ આવવાની પરવાનગી ન આપવા બદલ મુંબઈ હાઈકોર્ટે આજે મલ્ટીપ્લેક્સીસના માલિકો અને મહારાષ્ટ્ર સરકાર, બંને પાર્ટીને ખખડાવી નાખી હતી.
કોર્ટે મલ્ટીપ્લેક્સીસના માલિકોને કહ્યું કે, ‘તમારું કામ ફિ્લ્મો બતાવવાનું છે, ખાદ્યપદાર્થો વેચવાનું નહીં.’
એવી જ રીતે, કોર્ટે રાજ્ય સરકારને કહ્યું કે સાર્વજનિક સ્થળોએ તો લોકો ઘરના ખાદ્યપદાર્થ લઈ જઈ શકતા હોય છે તો ત્યારે સલામતીનો પ્રશ્ન ઊભો કેમ થતો નથી.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે ગઈ કાલે કોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં એમ જણાવ્યું હતું કે થિયેટરો, મલ્ટીપ્લેક્સીસમાં દર્શકોને એમના ઘેરથી કે બહારથી ખાદ્યપદાર્થો લાવવાની પરવાનગી આપી શકાય એમ નથી, કારણ કે એનાથી સલામતીનો પ્રશ્ન ઊભો થશે.
ન્યાયાધીશોએ ત્યારે સરકારી વકીલને ટોણો માર્યો હતો કે જાહેર સ્થળોએ તો લોકો ખાદ્યપદાર્થો લઈ જતા હોય છે તો ત્યારે શું સલામતીનો મુદ્દો ઉભો નથી થતો?
કોર્ટે મલ્ટીપ્લેક્સીસના માલિકોના સંગઠનની ઝાટકણી કાઢતા કહ્યું કે તમારું કામ લોકોને ફિલ્મો બતાવવાનું છે, તમારા થિયેટરોમાં ખાદ્યપદાર્થો વેચવાનું નથી.
કોર્ટે આ પ્રકરણમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ કરેલા આંદોલન અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી. ન્યાયાધીશોએ કહ્યું કે આ બાબતમાં કોઈએ પણ કાયદાને પોતાના હાથમાં લેવો ન જોઈએ.
કોર્ટે આ કેસમાં હવે પછીની સુનાવણી 3 સપ્ટેંબરે કરવાનું નક્કી કર્યું છે.