મરીન ડ્રાઈવ ખાતે જોગિંગ કરતી વખતે હાર્ટએટેક આવતાં મૃત્યુ

મુંબઈઃ 59 વર્ષના એક માણસને આજે દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઈવ ખાતે જોગિંગ કરતી વખતે કથિતપણે હૃદયરોગનો હુમલો આવતાં એનું મૃત્યુ થયું છે. પોલીસે કહ્યું છે કે મૃતકનું નામ રાજેન્દ્ર રામકૃષ્ણ ભિસે છે અને તે નવી મુંબઈના સીવૂડ્સ ઉપનગરના રહેવાસી હતા. તેઓ આગામી મેરેથોન દોડ માટે પ્રેક્ટિસ કરવા માટે મરીન ડ્રાઈવ આવ્યા હતા. તેઓ હાલમાં જ મંત્રાલયમાં સરકારી પદ પરથી નિવૃત્ત થયા હતા. તેઓ મેરેથોન દોડમાં ભાગ લેવાનો શોખ ધરાવતા હતા.

(તસવીર સૌજન્યઃ Wikimedia Commons)

ભિસે આજે દોડતી વખતે અચાનક જમીન પર ફસડાઈ પડ્યા બાદ એમને નજીકના ચર્ની રોડ સ્થિત સૈફી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ એને મૃત લાવેલા ઘોષિત કર્યા હતા. પોલીસનું કહેવું છે કે પ્રાથમિક રીતે આ હાર્ટ એટેકથી મૃત્યુનો કેસ છે. પરિવારજનોએ પણ કહ્યું કે રાજેન્દ્રને બ્લડ પ્રેશરની તકલીફ હતી. પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો છે અને વધુ તપાસ કરી રહી છે.