લાલબાગ વિસ્તારમાં ગેસ સિલિન્ડર ફાટતાં 16 ઘાયલ

મુંબઈઃ મધ્ય મુંબઈના લાલબાગ વિસ્તારમાં આવેલી ગણેશ ગલીના સારાભાઈ મકાનના બીજા માળ પર આજે સવારે લગભગ સાત વાગ્યાના સુમારે ગેસનું સિલિન્ડર ફાટ્યું હતું જેને કારણે 16 જણ ઘાયલ થયા હતા.

એક બંધ ઘરમાં રાખેલું સિલિન્ડર ફાટ્યું હતું અને એને કારણે આગ લાગી હતી. ધડાકાને કારણે બાજુના ઘરની દીવાલ પણ તૂટી ગઈ હતી અને એ ઘરની વ્યક્તિઓ ઘાયલ થઈ હતી. તે ઘરમાં લગ્નનો પ્રસંગ હતો અને સિલિન્ડર વિસ્ફોટને કારણે નવવધુનાં પિતા મહેશ રાણે ગંભીર રીતે જખ્મી થયા છે.

બનાવની જાણ થતાં અગ્નિશામક દળના જવાનો તાત્કાલિક વોટર ટેન્કરો સાથે ત્યાં પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લીધી હતી. લગ્ન માટે લાવેલી તમામ ચીજવસ્તુઓ આગને કારણે નાશ પામી હતી. ઈજાગ્રસ્તોમાંના 12 જણને કેઈએમ હોસ્પિટલમાં અને બીજા ચાર જણને ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બનાવની જાણ થયા બાદ મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે  ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]