મુંબઈઃ અહીંના કાંજુરમાર્ગ/અંધેરી (પૂર્વ)ના પવઈ વિસ્તારમાં તાનસા મેન વોટર પાઈપલાઈનમાં ગઈ કાલે બપોરે મોટું ભંગાણ પડ્યાનું માલૂમ પડ્યું હતું. મહાનગરપાલિકાના કર્મચારીઓએ તરત જ રીપેરિંગ કામ શરૂ કરી દીધું હતું, પરંતુ લીકેજ મોડે સુધી બંધ થયું નહોતું. પરિણામે જોગેશ્વરી, અંધેરી, ધારાવી જેવા વિસ્તારોમાં પાણી સપ્લાઈને માઠી અસર પહોંચી છે.
પાણીની પાઈપલાઈન ફાટવાનો મુંબઈમાં છેલ્લા બે અઠવાડિયામાં આ ચોથો બનાવ બન્યો છે. મુંબઈના લગભગ તમામ વિસ્તારોમાં હાલ 15 ટકા પાણીકાપ લાગુ કરાયો છે અને તે એક મહિના સુધી ચાલુ રહેશે એવી મહાનગરપાલિકા તરફથી જાહેરાત કરવામાં આવી છે. લોકોને પાણીનો સમજદારીપૂર્વક વપરાશ કરવાની નિયમિત રીતે સલાહ આપવામાં આવી રહી છે. ઘણી હાઉસિંગ સોસાયટીઓમાં માત્ર એક જ કલાક પાણી સપ્લાઈ કરવામાં આવે છે.
