મુંબઈઃ આર્ટિસ્ટ પત્ની હેમા ઉપાધ્યાય અને એનાં વકીલ હરિશ ભાંબાનીની હત્યાના આઠ વર્ષ બાદ અહીંની એક સેશન્સ અદાલતે ચુકાદો આપ્યો છે અને હેમાનાં પતિ ચિંતન ઉપાધ્યાયને અપરાધી ઘોષિત કર્યો છે. કોર્ટે અન્ય ત્રણ જણને ડબલ મર્ડર માટેનું ષડયંત્ર ઘડવામાં સહભાગી ઘોષિત કર્યા છે. અપરાધીઓના નામ છેઃ ચિંતન ઉપાધ્યાય, શિવકુમાર રાજભર, પ્રદિપકુમાર રાજભર, વિજયકુમાર રાજભર.
ત્રણ અપરાધી રાજભર એક જ ગામના રહેવાસીઓ છે. ચારેય અપરાધીઓને ફાંસીની સજા આપવામાં આવે એવી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર વૈભવ બાગડે કોર્ટને વિનંતી કરશે. આ કેસમાં લઘુત્તમ સજા આજીવન કેદ છે અને મહત્તમ સજા ફાંસી છે. જજ 7 ઓક્ટોબરે સજાની સુનાવણી કરશે.
હેમા અને ચિંતન લગ્નજીવનમાં વિખવાદને કારણે અલગ થયાં હતાં. વિદ્યાધર રાજભર નામના આરોપીએ ચિંતનના કહેવાથી અન્યોની સાથે મળીને 2015ની 11 ડિસેમ્બરે હેમા અને ભાંબાનીની હત્યા કરી હતી. તેમના મૃતદેહ કાંદિવલીમાં એક નાળામાંથી કાર્ડબોર્ડ બોક્સીસમાંથી મળી આવ્યા હતા. તે પછી 22 ડિસેમ્બરે ચિંતનની ધરપકડ કરવામાં આવી હતી અને તેને પગલે અન્ય રાજભર અપરાધીઓની પણ ધરપકડ કરાઈ હતી. 2021ની 17 સપ્ટેમ્બરે ચિંતને સુપ્રીમ કોર્ટ પાસેથી જામીન મેળવ્યા હતા. વિદ્યાધર રાજભર હજી પકડાયો નથી.