મુંબઈઃ મધ્ય રેલવેના મિથુન કુમાર અને હીરા લાલ નામના બે લાઈનમેન કર્મચારીઓની સતર્કતાને કારણે આજે એક મોટી દુર્ઘટના થતી રહી ગઈ. આ બંને લાઈનમેને આજે સવારે લગભગ 6.35 વાગ્યાના સુમારે કલ્યાણ સ્ટેશનથી દૂરના સ્થળે ફાસ્ટ લાઈન પર પાટામાં તિરાડ (ફ્રેક્ચર) પડેલી જોઈ હતી. એ જ વખતે ઈન્દ્રાયણી એક્સપ્રેસનો ત્યાંથી પસાર થવાનો સમય પણ થઈ ગયો હતો. બંનેએ ત્વરિત નિર્ણય લીધો હતો. મિથુનકુમાર તરત જ ટ્રેન આવવાની દિશામાં લાલ સિગ્નલ બતાવતો દોડ્યો હતો. જ્યારે હીરાલાલ તૂટેલા પાટાની જગ્યાએ ઊભો રહ્યો હતો. મિથુનકુમારે બતાવેલા લાલ સિગ્નલને જોઈને ઈન્દ્રાયણી એક્સપ્રેસના એન્જિન ડ્રાઈવરે ટ્રેનને રોકી દીધી હતી.
ત્યારબાદ તરત જ તૂટેલા પાટાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું અને પાટાને ફરી સુરક્ષિત બનાવી 7.15 વાગ્યે ટ્રેનવ્યવહાર ફરી રાબેતા મુજબનો કરી દેવામાં આવ્યો હતો. મધ્ય રેલવેએ ટ્વિટરના માધ્યમથી તેમજ અખબારી યાદી મારફત આ બંને કર્મચારીઓની ચપળતાની સરાહના કરી છે. પાટામાંની તિરાડો સમયના વહેણથી કાટ લાગવાથી અથવા આંતરિક ખામીઓ ઊભી થવાને કારણે પડતી હોય છે, જે ખતરનાક બની શકે છે.