મુંબઈ-અમદાવાદ છે ખતરનાક-હાઈવેઃ 118-કિ.મી.માં છે 29 બ્લેક-સ્પોટ

મુંબઈઃ અગ્રગણ્ય ઉદ્યોગપતિ અને ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાઈરસ મિસ્ત્રીનું ગઈ કાલે મુંબઈ-અમદાવાદ હાઈવે પર પાલઘર નજીક માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. આ હાઈવે પર અનેક ખતરનાક સ્પોટ છે જ્યાં મોટી સંખ્યામાં અકસ્માતો થયા છે, જેમાં અનેક જણે જાન ગુમાવ્યા છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂૂરોએ દેશમાં માર્ગ અકસ્માતોમાં થયેલા મરણો અંગે હાલમાં સરકારને એક અહેવાલ સુપરત કર્યો હતો. એમાં જણાવ્યું છે કે દેશમાં દરરોજ માર્ગ અકસ્માતોમાં 450 નાગરિકોનાં મરણ થાય છે. મુંબઈ-અમદાવાદ હાઈવે તો ખતરનાક રોડ છે જ્યાં લગભગ 118 કિલોમીટર અંતરમાં 29 બ્લેક સ્પોટ આવે છે. સાઈરસ મિસ્ત્રીની કારને ચારોટી વિસ્તારમાં સૂર્યા નદીના પૂલ પર અકસ્માત નડ્યો હતો. એમના ડ્રાઈવરે કારને ડિવાઈડર સાથે અથડાવી મારી હતી. એમાં મિસ્ત્રી તથા એમની સાથે સફર કરી રહેલા જહાંગીર દિનશા પંડોલનું મરણ થયું હતું, જ્યારે મુંબઈનાં ગાઈનેકોલોજિસ્ટ ડો. અનાહિતા પંડોલ અને દારાયસ પંડોલને ઈજા થઈ છે. એ સ્થળ હાઈવે પરના 29 બ્લેક સ્પોટમાંનું એક છે. મહારાષ્ટ્ર-ગુજરાતની સરહદ પર ગુજરાતના ઉમરગામ તાલુકાના અછાડ ગામથી થાણે જિલ્લાના ઘોડબંદર સુધી 118 કિ.મી.ના માર્ગ પર આ બ્લેક સ્પોટ આવે છે. જ્યાં વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં અકસ્માતો થાય છે.

પાલઘર જિલ્લામાં ચારોટી સ્થળે સૂર્યા નદી પાસેનો રોડ ખતરનાક સ્પોટ છે. આ પૂલ ઉતરતાં જ ત્રણ લેન આવે છે. આ ત્રણ લેનનું અચાનક બે લેનમાં રૂપાંતર થાય છે. તેથી ઝડપી ગતિએ જતા વાહનચાલકો ભ્રમિત થઈ જાય છે. મહત્ત્વની વાત એ છે કે આ પૂલને છેડે સૂર્યા નદીનો એક કાંઠો બહાર આવી ગયો છે તેને કારણે વાહનો વચ્ચે અથડામણ અને અકસ્માતો વધારે થાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]