KYC એપ ઈન્સ્ટોલ કરાવી દોઢ લાખ લૂંટી લીધા

મુંબઈઃ પડોશના નવી મુંબઈ શહેરના ઐરોલી ઉપનગરમાં રહેતા 51-વર્ષના એક રહેવાસી સાથે છેતરપીંડી કરીને એક ફોન કોલર એમના રૂ. 1.55 લાખ લૂંટી ગયાનો બનાવ બન્યો છે. ફોન કરનારે રહેવાસીને કહ્યું હતું કે KYC (નો યોર કસ્ટમર) અપડેટના ભાગરૂપે તમે એક એપ્લિકેશન તમારા ફોનમાં ઈન્સ્ટોલ કરો. તો જ તમારું સિમ કાર્ડ ચાલુ રહેશે. ફોન કરનારના જણાવ્યા મુજબ રહેવાસીએ સ્ટેપ-બાય-સ્ટેપ કર્યું અને પેલો ઠગ આઠ ગેરકાયદેસર સોદાઓ કરીને એમના બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ચાઉં કરી ગયો હતો.

ઐરોલીમાં રહેતા પ્રવીણ સાળુંકે નવી મુંબઈના જ સાનપાડામાં નોકરી કરે છે. 27 સપ્ટેમ્બરે એમને ફોન આવ્યો હતો અને એમને તાત્કાલિક KYC અપડેટ કરવા કહ્યું હતું, નહીં તો એમનું જિયો સિમ કાર્ડ બ્લોક થઈ જશે એવી એમને ચેતવણી આપી હતી. કોલરે સાળુંકેને પ્લે સ્ટોરમાંથી jiokycanydesk એપ ડાઉનલોડ કરવા કહ્યું હતું. સાળુંકેએ તે એપ ઈન્સ્ટોલ કર્યા બાદ એમણે તે ખોલતાં એમણે એક પાસવર્ડ જોયો હતો. કોલરે ફોન પર એમને તે પાસવર્ડ શેર કરવા કહ્યું હતું. તે પછી એમને KYC પ્રક્રિયા પૂરી કરવા કહ્યું હતું. પ્રક્રિયાને અંતે, એમને કેવાઈસી અપડેટ માટે ચાર્જિસ તરીકે રૂ. 10 ચૂકવવા કહ્યું હતું. સાળુંકેએ એમના ડેબિટ કાર્ડનો નંબર, સીવીવી, તથા અન્ય વિગતો ભરી હતી. તે પછી એમને એક ઓટીપી આવ્યો હતો, જે તેમણે ભર્યો કે એમના બેન્ક એકાઉન્ટમાંથી 10 રૂપિયા કપાઈ ગયા હતા. પરંતુ, પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ એમના ફોન પર ફરી એક ઓટીપી આવ્યો હતો. તેથી એમને શંકા ગઈ હતી. એમણે તેમના એક મિત્રને વાત કરી હતી. મિત્રએ એમને કહ્યું કે આ છેતરપીંડી હોઈ શકે છે. તમે તરત જ તમારું કાર્ડ બ્લોક કરાવો. પરંતુ ત્યાં સુધીમાં પેલો ઠગ આઠ ગેરકાયદેસર સોદાઓ કરીને એમના ખાતામાંથી રૂ. 1.55 લાખ ટ્રાન્સફર કરી ચૂક્યો હતો. સાળુંકેએ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઈપીસીની કલમ 420 અને આઈટી એક્ટની કલમ 66 (ડી) અંતર્ગત કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.