ઉર્મિલા માતોંડકર શિવસેનામાં સામેલ; ‘શિવબંધન’ ધારણ કર્યું

મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે આજથી રાજકારણમાં પોતાની સફર નવેસરથી શરૂ કરી છે. એમણે કોંગ્રેસનો સાથ-હાથ છોડી દીધો છે અને આજે વિધિવત્ શિવસેનામાં સામેલ થયાં છે. આજે અહીં બાન્દ્રા (પૂર્વ) ઉપનગરમાં શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન ‘માતોશ્રી’ ખાતે જઈને એમણે ઠાકરેની હાજરી શિવસેનામાં પ્રવેશ કર્યો હતો. એ પ્રસંગે ઉદ્ધવ ઠાકરેના પત્ની રશ્મી ઠાકરે તથા પક્ષના અમુક અન્ય ટોચના આગેવાનો પણ ઉપસ્થિત હતાં. રશ્મી ઠાકરેએ ઉર્મિલાને જમણા હાથમાં ‘શિવબંધન’ બાંધીને શિવસેનામાં પ્રવેશ કરાવ્યો હતો.

ઉર્મિલા શિવસેનામાં જોડાશે એવી ચર્ચા કેટલાક વખતથી થતી જ હતી. એમને વિધાન પરિષદની સદસ્ય બનાવવા માટે શિવસેના તરફથી ભલામણપત્ર મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને આ મહિનાની શરૂઆતમાં જ મોકલવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ, એમ ત્રણ પાર્ટીની સંયુક્ત સરકાર છે. આ ત્રણેય પાર્ટીએ વિધાન પરિષદમાં સદસ્ય બનાવવા માટે પોતપોતાના 4-4 સભ્યોના નામ રાજ્યપાલને મોકલી આપ્યા છે. શિવસેનાએ પોતાના 4-સદસ્યોમાં ઉર્મિલાનું નામ પણ સામેલ કર્યું છે.

ઉર્મિલાએ 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પરથી ઉત્તર મુંબઈ બેઠક પરથી ચૂંટણી લડી હતી, પરંતુ ભાજપના ગોપાલ શેટ્ટી સામે એમનો પરાજય થયો હતો. બાદમાં ઉર્મિલાએ એવો આરોપ મૂકીને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું કે પક્ષમાં પોતાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અભિનેત્રી તરીકે ઉર્મિલા છેલ્લે 2018માં ‘બ્લેકમેલ’ ફિલ્મમાં જોવા મળ્યાં હતાં.