મુંબઈ – દેશની પ્રથમ સંપૂર્ણ એરકન્ડિશન્ડ લોકલ ટ્રેન પશ્ચિમ રેલવે મુંબઈમાં દોડાવે છે. આ ટ્રેને ગયા એપ્રિલ મહિનામાં 1 કરોડ 84 લાખ રૂપિયાની કમાણી કરી હતી.
શહેરમાં ગરમીનું પ્રમાણ વધી જતાં વધારે લોકોએ એસી ટ્રેનમાં પ્રવાસ કર્યો એટલે રેલવેને કમાણી વધી છે.
મુંબઈમાં એસી લોકલ ટ્રેનની શરૂઆત 2017ની 25 ડિસેંબરથી કરવામાં આવી હતી.
ગઈ 30 એપ્રિલ સુધીમાં 16 મહિનામાં પશ્ચિમ રેલવેએ એસી લોકલ દ્વારા કુલ રૂ. 24 કરોડની કમાણી કરી છે.
પશ્ચિમ રેલવેના વડા પ્રવક્તા રવિન્દ્ર ભાકરનું કહેવું છે કે ગયા એપ્રિલમાં આશરે 4.47 લાખ લોકોએ એરકન્ડિશન્ડ ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો. એપ્રિલની કમાણીનો આંક અત્યાર સુધીનો સૌથી ઊંચો છે. આ પહેલાં, ગયા ઓક્ટોબરમાં રૂ. 1.82 કરોડની કમાણી જ્યારે 2018ના મે મહિનામાં રૂ. 1.68 કરોડની કમાણી થઈ હતી.
મુંબઈગરાંઓમાં એસી લોકલ ટ્રેનની લોકપ્રિયતા ધીમે ધીમે વધી રહી છે, એમ ભાકરનું માનવું છે.
પશ્ચિમ રેલવેએ એસી લોકલ ટ્રેનનું ભાડું અન્ય લોકલ ટ્રેનોનાં ફર્સ્ટ ક્લાસ વર્ગના ભાડાં કરતાં 1.2 ગણા વધારે રાખ્યા છે. આ ભાડું 31 મે સુધી ચાલુ રહેશે. ત્યારબાદ એ ચાર્જ 1.3 ગણો વધારે લેવામાં આવશે.
હાલ ચર્ચગેટ અને વિરાર વિભાગ પર દર સોમવારથી શુક્રવારે એક એસી લોકલ ટ્રેન દોડાવવામાં આવે છે. આ ટ્રેન કુલ 12 ફેરી કરે છે.